IND vs PAK: પાકિસ્તાનના હાથમાં જ હતી મેચ, પણ નવાઝની આ ભૂલ ભારે પડી, જાણો કોહલીએ કઈ રીતે બાજી પલટી
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચ હારી ગયું છે. ભારત સામેની મેચમાં પાકિસ્તાનની રમત ઘણી સારી રહી હતી, પરંતુ અંતે ભારતની જોરદાર વાપસી કરતાં પાકિસ્તાનનો પરાજય થયો હતો.
India vs Pakistan: T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચ હારી ગયું છે. ભારત સામેની મેચમાં પાકિસ્તાનની રમત ઘણી સારી રહી હતી, પરંતુ અંતે ભારતની જોરદાર વાપસી કરતાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ રનરેટ પણ સતત વધી રહ્યો હતો. છેલ્લી ત્રણ ઓવર સુધી, ભારત માટે જીત મુશ્કેલ જણાતી હતી કારણ કે, ભારતે પ્રતિ ઓવર 16 રન બનાવવાના હતા. તો ચાલો જાણીએ કે ભારત કેવી રીતે જીત્યું.
બાબરે સ્પિનરોને સતત ઓવરો આપીને કોહલીને સેટ થવાની તક આપી
સાતમી ઓવરમાં 31 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ભારત માટે વાપસી કરવી મુશ્કેલ બાબત હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ ભારતના બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા. જો તેમને સતત બોલિંગ કરવાની તક આપવામાં આવી હોત તો ભારતની મુશ્કેલી વધી શકે તેમ હતી. પાકિસ્તાન પાસે માત્ર ત્રણ ઝડપી બોલર હતા અને બાબર આઝમે ઓવરના અંત સુધી તેમને બચાવવાનું નક્કી કર્યું હતું. જેથી બાબર આઝમે સ્પિનરોને સતત બોલિંગ આપીને કોહલીને સેટ થવાની તક આપી. જો બાબરે ફાસ્ટ બોલરોને વધુ કેટલીક ઓવરો ફેંકવા આપી હોત તો કદાચ તેને વધુ સફળતા મળી હોત.
છેલ્લી ઓવરમાં નવાઝે નિર્ણાયક ક્ષણે નો બોલ ફેંક્યો
છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 16 રનની જરૂર હતી અને મોહમ્મદ નવાઝે સારી શરૂઆત કરી હતી. નવાઝે પ્રથમ ત્રણ બોલમાં માત્ર ત્રણ રન આપીને હાર્દિક પંડ્યાની વિકેટ પણ લીધી હતી. ત્રણ બોલમાં 13 રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા, પરંતુ નવાઝે અહીં નો બોલ ફેંક્યો, જેના પર કોહલીએ સિક્સર ફટકારી. આ પછી ફ્રી હિટ પર ત્રણ રન આવ્યા અને ભારતે મેચ જીતી લીધી.
વિરાટે પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યાઃ
17મી ઓવરના અંત સુધીમાં કોહલી 42 બોલમાં 46 રન બનાવી ચૂક્યો હતો અને ધીમી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે પછી તેણે અચાનક ગિયર બદલી નાખ્યો. આગલી ઓવરમાં કોહલીએ શાહીન આફ્રિદીની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ 19મી ઓવરના છેલ્લા બે બોલમાં સતત બે સિક્સર ફટકારી હતી અને છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરુર હતી ત્યારે કોહલીએ છેલ્લી ઓવરમાં એક નિર્ણાયક સિક્સર ફટકારી હતી. કોહલી 53 બોલમાં 82 રન બનાવીને અણનમ રહ્યો હતો.