T20 World Cup 2022: બાંગ્લાદેશ સામે કેએલ રાહુલને મળશે તક ? જાણો ટીમ ઈન્ડિયાના સંભવિત ઈલેવન
ટીમ ઈન્ડિયાને પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.
IND vs BAN Probable Playing XI: ટીમ ઈન્ડિયાને પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર સરકી ગઈ છે. સાઉથ આફ્રિકા નંબર વન પર છે. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની હાર છતાં ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલ માટેનો દાવો મજબૂત છે. બુધવારે ભારતીય ટીમ તેની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે ટકરાશે.
કેએલ રાહુલનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયું
સેમીફાઈનલની દૃષ્ટિએ ભારત-બાંગ્લાદેશની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ ઓપનર કેએલ રાહુલનું ખરાબ ફોર્મ સમસ્યા બની રહ્યું છે. કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપ 2022ની 3 મેચમાં માત્ર 22 રન જ બનાવી શક્યો છે. કેએલ રાહુલનું આ ફોર્મ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની રહ્યું છે.
કેએલ રાહુલને બાંગ્લાદેશ સામે તક મળશે?
અત્યારે ચર્ચા જોરમાં છે કે શું કેએલ રાહુલને બાંગ્લાદેશ સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે ? જો કે, એવું માનવામાં આવે છે કે ખરાબ ફોર્મ છતાં કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલ પર વિશ્વાસ બતાવી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને અજમાવી શકે છે. ખરેખર, દિનેશ કાર્તિક T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળી શકે છે.
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિ અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
શું કહે છે હવામાન રિપોર્ટ -
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે.
પૉઇન્ટ ટેબલ પર શું છે ભારતની સ્થિતિ
પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે.