IPL 2021: તાલિબાને અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણને ગણાવ્યું ઇસ્લામ વિરોધી
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર એમ ઇબ્રાહિમ મોમંદે પોતાના એક ટ્વીટમાં આ માહિતી આપી છે.
IPL 2021: અફઘાનિસ્તાનના કબજા બાદથી તાલિબાન શાસનનો ફરમાનનો ક્રમ સતત ચાલુ છે. હવે તેણે અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે તાલિબાનોએ આશંકા વ્યક્ત કરી છે કે આઈપીએલ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ મનોરંજનના મોટાભાગના માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઘણી રમતોનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ માટે રમત રમવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર એમ ઇબ્રાહિમ મોમંદે પોતાના એક ટ્વીટમાં આ માહિતી આપી છે. તેમણે લખ્યું, "અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021ના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈપીએલ મેચ દરમિયાન ઈસ્લામિક વિરોધી સામગ્રી પ્રસારિત થવાની શક્યતાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે." તેણે યુએઈમાં ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલી આઈપીએલના બીજા તબક્કાની પ્રથમ મેચ બાદ આ ટ્વિટ કર્યું હતું.
Afghanistan national 📻 📺 will not broadcast the @IPL as usual as it was reportedly banned to live the matches resumed tonight due to possible anti-islam contents, girls dancing & the attendence of barred hair women in the 🏟️ by Islamic Emirates of the Taliban. #CSKvMI pic.twitter.com/dmPZ3rrKn6
— M.ibrahim Momand (@IbrahimReporter) September 19, 2021
તાલિબાનના હુકમના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ રદ કરવામાં આવી
તમને જણાવી દઈએ કે તાલિબાન શાસને અફઘાનિસ્તાનમાં મહિલાઓ ક્રિકેટ અને અન્ય રમતો રમવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (CA) આનાથી આઘાત પામ્યું હતું અને અફઘાનિસ્તાન સાથે પ્રસ્તાવિત એકમાત્ર ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી રમાવાની હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ CA ને મેચ રદ ન કરવાની અપીલ કરી હતી. બોર્ડે કહ્યું કે તે "અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને બદલવામાં અસમર્થ છે."
ACB ના નવા CEO તરીકે નસીબ ખાનની નિમણૂક
એસીબી (અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ સોમવારે જાહેરાત કરી કે તેણે નસીબ ખાનને નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ખાન એપ્રિલ 2021માં આ પદ પર નિયુક્ત થયેલા હામિદ શિનવારીની જગ્યા લેશે. ACBએ ટ્વિટમાં લખ્યું છે કે, "નસીબ ખાનને બોર્ડના ચેરમેન અઝીઝુલ્લાહે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના નવા CEO તરીકે રજૂ કર્યા છે. તેઓ માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ક્રિકેટનું જ્ઞાન પણ ધરાવે છે."
અફઘાનિસ્તાનની ટીમે યુએઈમાં જ ટી20 વર્લ્ડ કપ રમવાની છે
આ વર્ષે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેમાં અફઘાનિસ્તાનની ટીમે પણ ભાગ લેવાનો છે. હવે જોવાનું એ રહે છે કે શું તાલિબાન શાસન પણ તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે.