IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી કેપ્ટન રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો છે
Jasprit Bumrah Reaction Rohit Sharma Opted Out: ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી કેપ્ટન રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને જસપ્રીત બુમરાહને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્માને પડતો મુકવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે પરંતુ હવે બુમરાહે આ મામલે નિવેદન આપ્યું છે. સિડની ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) નો ઇતિહાસ દર્શાવે છે કે અહીં પહેલા બેટિંગ કરવી વધુ સારું છે.
ટોસ સમયે જસપ્રીત બુમરાહે રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર કહ્યું હતું કે "અમે હારમાંથી પાઠ શીખ્યા છીએ, અમે આ મેચમાં વધુ સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ. અમારા કેપ્ટન રોહિત શર્માએ લીડરશીપ બતાવી છે અને આ મેચમાં આરામ લેવાનો નિર્ણય લીધો છે. એ દર્શાવે છે કે ટીમની અંદર કેટલી એકતા છે. અહી અહંકાર જેવી કોઈ વસ્તુ નથી, અમે ટીમના હિતમાં જે પણ હશે તે કરવાનો પ્રયાસ કરીશું.
નોંધનીય છે કે રોહિત શર્માને ડ્રોપ કરવામાં આવતા કેએલ રાહુલને ઓપનિંગ સોંપવામાં આવી હતી. શુભમન ગિલને પાંચમી ટેસ્ટમાં તક આપવામાં આવી છે. બીજી તરફ સિડની ટેસ્ટ શરૂ થવાના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આકાશદીપ કમરના દુખાવાથી પીડાઈ રહ્યો છે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે.
રોહિત શર્માએ જ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને કહ્યું હતું કે તે સિડની ટેસ્ટમાંથી બ્રેક લઈ રહ્યો છે. પરંતુ તે પછી એક અહેવાલ સામે આવ્યો કે BCCIના એક સભ્યએ ગંભીરને સિડની ટેસ્ટમાં રોહિત શર્માને રમવાની વિનંતી કરી હતી, પરંતુ કોચે આ માંગને ફગાવી દીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે (3 જાન્યુઆરી) સિડનીમાં છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતનો સ્કોર 35 રનની આસપાસ છે અને બે વિકેટ પડી છે. શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ