Sourav Ganguly Birthday: ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ છે સૌરવ ગાંગુલી, આવી રહી કારર્કિદી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ, 1972ના રોજ થયો હતો
Sourav Ganguly Birthday: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ, 1972ના રોજ થયો હતો. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 'પ્રિન્સ ઓફ કોલકાતા' નામથી જાણીતા છે. તે હાલમાં BCCIના પ્રમુખ છે. સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંના એક માનવામાં આવે છે. તેમણે એવા સમયે ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી જ્યારે ભારત મેચ ફિક્સિંગના આરોપોમાંથી પસાર થઈ રહ્યું હતું પરંતુ સૌરવ ગાંગુલીએ યુવા ખેલાડીઓ સાથે એક શાનદાર ટીમ બનાવી હતી.
ગાંગુલીએ યુવા ખેલાડીઓની શાનદાર ટીમ બનાવી
સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે, ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફ જેવા યુવા ખેલાડીઓએ પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ પોતાની રમતથી સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. વાસ્તવમાં સૌરવે પોતાની કેપ્ટનશીપમાં એક મજબૂત ભારતીય ટીમનો પાયો નાખ્યો હતો, જેનાથી આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને ફાયદો થયો હતો.
વન-ડેમાં ગાંગુલીના નામે 11 હજારથી વધુ રન
સૌરવ ગાંગુલીની કારકિર્દીની વાત કરીએ તો તેણે 113 ટેસ્ટ મેચ સિવાય 311 વન-ડે અને 59 આઇપીએલ મેચ રમી હતી. દાદાએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 સદી ફટકારી હતી, જ્યારે 1 બેવડી સદી પણ ગાંગુલીના નામે છે. આ સિવાય પૂર્વ કેપ્ટને 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે. ODIમાં દાદાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે. સૌરવ ગાંગુલીએ વન-ડે ક્રિકેટમાં 22 સદી ફટકારી છે. સૌરવ ગાંગુલીએ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી હતી, આ સિવાય તે સહારા પુણે વોરિયર્સ તરફથી પણ રમ્યો હતો.