કોણ છે સંજોગ ગુપ્તા? જે બન્યા ICCના નવા CEO, ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજનું લેશે સ્થાન
new ICC CEO Sanjog Gupta: સંજોગ ICCના સાતમા CEO છે અને મનુ સાહની પછી આ જવાબદારી સંભાળનારા તેઓ બીજા ભારતીય છે.

new ICC CEO Sanjog Gupta: એક મોટો નિર્ણય લેતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સંજોગ ગુપ્તાને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. સંજોગ ગુપ્તાએ સોમવાર, 7 જૂલાઈથી આ જવાબદારી સંભાળી છે. સંજોગે ઓસ્ટ્રેલિયાના જ્યોફ એલાર્ડિસનું સ્થાન લીધું છે, જે વર્ષ 2021થી આ પદ પર હતા. સંજોગ ICCના સાતમા CEO છે અને મનુ સાહની પછી આ જવાબદારી સંભાળનારા તેઓ બીજા ભારતીય છે.
Sanjog Gupta named ICC Chief Executive https://t.co/UBA7Qjmav8
— ICC Media (@ICCMediaComms) July 7, 2025
સંજોગ ગુપ્તા હાલમાં જિયોસ્ટારમાં CEO (સ્પોર્ટ્સ અને લાઈવ એક્સપિરિયન્સ) તરીકે કાર્યરત છે. સંજોગે ભારતમાં રમતગમતના ડિજિટલ અને ટીવી પ્રસારણને નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સંજોગ ગુપ્તાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), ICC ટુર્નામેન્ટ્સ, પ્રો કબડ્ડી લીગ (PKL) અને ઇન્ડિયન સુપર લીગ (ISL) જેવી મોટી રમતગમતની ઇવેન્ટ્સને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સંજોગ ગુપ્તાએ પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2010માં સ્ટાર ઇન્ડિયામાં જોડાયા હતા. બાદમાં તેમણે ડિઝની-સ્ટારના રમતગમતના વડા તરીકે સેવા આપી હતી. અહીં સંજોગના નેતૃત્વ હેઠળ રમતગમતનો વ્યવસાય વિસ્તાર્યો હતો. આ સાથે દર્શકોની સંખ્યામાં પણ વધારો થયો હતો.
ICCના ચેરમેન જય શાહે સંજોગ ગુપ્તા વિશે કહ્યું હતું કે, 'સંજોગને રમતગમત આયોજન અને વ્યાપારીકરણમાં વ્યાપક અનુભવ છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અને ટેકનોલોજીની સમજ આ રમતના વૈશ્વિક વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમારો પ્રયાસ છે કે ક્રિકેટને ઓલિમ્પિક જેવા પ્લેટફોર્મ પર નિયમિત સ્થાન મળે.'
જય શાહે કહ્યું હતું કે 'અમે આ પદ માટે ઘણા ઉમેદવારો પર વિચાર કર્યો હતો પરંતુ નોમિનેશન સમિતિએ સર્વાનુમતે સંજોગની ભલામણ કરી હતી. ICC બોર્ડના ડિરેક્ટરો તેમની સાથે નજીકથી કામ કરવા માટે આતુર છે અને હું ICCમાં દરેક વતી તેમનું સ્વાગત કરવા માંગુ છું.'
ICC એ માર્ચમાં આ પદ માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે 25 દેશોમાંથી 2500થી વધુ અરજીઓ આવી હતી. ત્યારબાદ નોમિનેશન સમિતિએ સર્વાનુમતે સંજોગ ગુપ્તાની પસંદગી કરી હતી. સંજોગ ગુપ્તાએ કહ્યું હતું કે, 'આ જવાબદારી મેળવવી મારા માટે સૌભાગ્યની વાત છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ક્રિકેટ વૈશ્વિક સ્તરે ઝડપથી વિસ્તરી રહ્યું છે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટની ભાગીદારી અને ટેકનોલોજીકલ વિકાસ આ રમતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.




















