(Source: ECI/ABP News/ABP Majha)
ICC Rankings: 39 વર્ષનો અફઘાન ક્રિકેટર બન્યો દુનિયાનો નંબર-1 ઓલરાઉન્ડર, આઇસીસીએ જાહેર કર્યુ વનડે રેન્કિંગ
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. શ્રીલંકાએ સીરીઝની પ્રથમ બે મેચ જીતી લીધી છે
Mohammad Nabi ICC Rankings: અફઘાનિસ્તાનનો પાવરફૂલ ખેલાડી મોહમ્મદ નબી ODI ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. આઈસીસીએ તાજેતરમાં તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. આમાં મોહમ્મદ નબી નંબર 1 પર આવી ગયો છે. આ પહેલા વનડે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો કબજો હતો. શાકિબ હવે એક સ્થાન સરકીને બીજા સ્થાને પહોંચી ગયો છે. મોહમ્મદ નબીની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ શ્રીલંકા સામે તોફાની સદી ફટકારી હતી. જોકે અફઘાન ટીમ આ મેચ હારી ગઈ હતી.
વાસ્તવમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. શ્રીલંકાએ સીરીઝની પ્રથમ બે મેચ જીતી લીધી છે. હવે ત્રીજી મેચ બુધવારે પેલેકલમાં રમાશે. સીરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ રમાઈ હતી. નબીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 130 બોલનો સામનો કરીને 136 રન બનાવ્યા હતા. નબીની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. નબીને રેન્કિંગમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. તે ODI ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ પર આવી ગયો છે.
બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ ODI ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર હતો. પરંતુ હવે તેઓ બીજા નંબર પર આવી ગયા છે. શાકિબને 310 રેટિંગ મળ્યું છે. જ્યારે મોહમ્મદ નબી 314 રેટિંગ સાથે ટોચ પર છે. ત્રીજા નંબર પર ઝિમ્બાબ્વેનો ખેલાડી સિકંદર રઝા છે. તેને 288 રેટિંગ મળ્યું છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 10માં સ્થાને છે.
તમને જણાવી દઈએ કે નબીનું વનડે કેરિયર અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે 158 મેચમાં 3345 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 136 રન છે. નબીએ આ ફોર્મેટમાં 163 વિકેટ પણ લીધી છે. એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 30 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.