Pakistan Team: પાકિસ્તાનને મોટો ઝટકો, વર્લ્ડકપ અગાઉ આ સ્ટાર ફાસ્ટ બોલરે જાહેર કરી નિવૃતિ
Pakistan Team: તેણે કહ્યું હતું કે તે હજુ પણ આખી દુનિયામાં યોજાનારી ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખશે
Wahab Riaz Announced His Retirement: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડાબોડી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 38 વર્ષીય વહાબે કહ્યું કે તે હજુ પણ આખી દુનિયામાં યોજાનારી ટી-20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. વહાબે પાકિસ્તાન માટે 91 વનડે, 27 ટેસ્ટ અને 36 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
🏏 Stepping off the international pitch
🌟 After an incredible journey, I've decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise… — Wahab Riaz (@WahabViki) August 16, 2023
વહાબ રિયાઝે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 237 વિકેટ ઝડપી છે. વહાબે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2020માં રમી હતી. ટી20 લીગની વાત કરીએ તો વહાબ આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાન સુપર લીગમાં રમ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની સાથે વહાબે પોતાના નિવેદનમાં કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી મારી નિવૃત્તિની યોજના બનાવી રહ્યો હતો કે વર્ષ 2023માં હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીશ. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું મારા માટે ગર્વની વાત છે. હવે હું ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખીશ.
ભારત સામે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં 5 વિકેટ લીધી હતી
2011 વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં જ્યારે ભારત અને પાકિસ્તાન મોહાલીના મેદાન પર ટકરાયા હતા. તે મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, વહાબ રિયાઝે તેની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા અને મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી. વહાબ રિયાઝે મેચમાં વીરેન્દ્ર સેહવાગ (38), વિરાટ કોહલી (9 રન), યુવરાજ સિંહ (0 રન), ધોની (25 રન) અને ઝહીર ખાન (9 રન)ને આઉટ કર્યા હતા.
વહાબે વનડેમાં 3 અડધી સદીની સાથે 120 વિકેટ ઝડપી છે. બીજી તરફ, વહાબે ટેસ્ટમાં 83 જ્યારે ટી-20 ઈન્ટરનેશનલમાં 34 વિકેટ ઝડપી છે. વહાબે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. તેમને આ વર્ષે જાન્યુઆરી 2023માં પંજાબ પ્રાંતના કાર્યકારી રમત મંત્રી બનાવવામાં આવ્યા હતા.