SL vs PAK: પાકિસ્તાનને હરાવી એશિયા કપમા શ્રીલંકા બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં પાકિસ્તાનના હારના આ રહ્યા કારણો
એશિયા કપ 2022માં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે
PAK vs SL: એશિયા કપ 2022માં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 170 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. આજે અમે તમને એશિયા કપમાં પાકિસ્તાનની હારના પાંચ મોટા કારણો જણાવીશું.
બાબર આઝમની નબળી કેપ્ટનશીપ
એશિયા કપની ફાઇનલમાં હારનું સૌથી મોટું કારણ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની નબળી કેપ્ટનશિપ હતી. વાસ્તવમાં, શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં બાબરે પોતાના બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે ટીમે ખિતાબ ગુમાવ્યો હતો. શ્રીલંકાની બેટિંગ દરમિયાન અડધી ટીમ 60ની અંદર પેવેલિયન પરત ફરી ગઈ હતી. પરંતુ તે પછી બાબરે તેના મુખ્ય બોલરોને બોલિંગ ન આપી. બાબરની ભૂલની ટીકા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે કોમેન્ટ્રી દરમિયાન પણ કરી હતી.
મિડલ ઓર્ડરનો ફ્લોપ શો
શ્રીલંકા સામે પાકિસ્તાનનો મિડલ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. મિડલ ઓર્ડરમાં ઈફ્તિકાર અહેમદ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો. શ્રીલંકા સામે મિડલ ઓર્ડરના ફ્લોપ શોના કારણે પાકિસ્તાનને ફાઇનલ ગુમાવી પડી હતી
રિઝવાનની ખૂબ જ ધીમી ઇનિંગ્સ
171 જેવા મોટા રનનો પીછો કરવા આવેલા પાકિસ્તાનના વિકેટ કીપર- બેટ્સમેન મોહમ્મદ રિઝવાને અડધી સદી ફટકારી પરંતુ તે ખૂબ જ ધીમી રહી હતી. તેણે 55 રન બનાવવા માટે 49 બોલ રમ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. રિઝવાનની આ ધીમી ઈનિંગના કારણે પાકિસ્તાનને એશિયા કપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
બાબર આઝમ બેટિંગમાં ફરી ફ્લોપ રહ્યો
એશિયા કપ 2022માં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ ખૂબ જ નિરાશ કર્યા છે. વાસ્તવમાં બાબર આઝમ એશિયા કપ 2022ની 6 મેચમાં માત્ર 68 રન બનાવી શક્યો હતો. સમગ્ર એશિયા કપમાં તેની સરેરાશ માત્ર 11.33ની હતી. એશિયા કપમાં તેનો ઉચ્ચ સ્કોર પણ 30 રન હતો. એશિયા કપની ફાઈનલમાં પણ બાબર રન બનાવી શક્યો નહોતો. તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એશિયા કપમાં પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ બાબરનું ખરાબ ફોર્મ પણ રહ્યું છે.