જ્યારે અનિલ કુંબલેની બોલિંગ સામે પાકિસ્તાની પડ્યા હતા ઘૂંટણીએ, ઝડપી હતી તમામ 10 વિકેટ
મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો
મુંબઇઃ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.એઝાઝ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ ભારતના અનિલ કુંબલે અને ઇગ્લેન્ડના જિમ લેકરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં આ કમાલ કર્યો હતો.
પાકિસ્તાન સામે ફિરોઝ શાહ કોટલા ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 252 રન બનાવીને પાકિસ્તાનને 172 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને શાનદાર બેટિંગ કરી હતી. સાથે જ ઓપનર સદગોપન રમેશના 96 રનની મદદથી ભારતે 339 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પાકિસ્તાનની ટીમ મેચ ડ્રો કરવા માટે રમી રહી હતી પરંતુ કુંબલેએ પાકિસ્તાનના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું અને ટીમ ઇન્ડિયાને 212 રન બનાવી જીત અપાવી હતી. જ્યારે કુંબલેએ નવ વિકેટ લઇ ચૂક્યા હતા ત્યારે કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને બીજા એન્ડથી બોલિંગ કરી રહેલી શ્રીનાથને કહ્યું કે તે ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંકે જેથી તેને વિકેટ ના મળે અને કુંબલે વિકેટ લઇ શકે.
કુંબલેએ મેચની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી અને તે કુલ 14 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યો હતો. બેંગલુરુમાં જન્મેલા કુંબલેના નામે 132 ટેસ્ટમાં કુલ 619 વિકેટ નોંધાયેલી છે. કુંબલે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો બોલર છે. કુંબલેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 1136 વિકેટ છે.