Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar rape case: સેક્ટર-24માં રિકન્સ્ટ્રક્શન વેળાએ બની ઘટના: 5 વર્ષની બાળકીના આરોપીએ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટર.

- ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી રામસિંગ યાદવની સેક્ટર-25માંથી ધરપકડ કરવામાં આવી હતી.
- ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન (Reconstruction) માટે લઈ ગયા ત્યારે આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
- સેક્ટર-21નાં બહાદુર મહિલા PI લતા દેસાઈએ સ્વબચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
- પોલીસ ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
- મૂળ બિહારનો આ આરોપી અમૂલ ડેરીમાં કામ કરતો હતો અને તે CCTV તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડાયો હતો.
Gandhinagar rape case: ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેક્ટર-24ના ઈન્દિરાનગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મ (Rape) કેસના આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) એ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું છે. બહાદુર મહિલા પીઆઈ (PI) દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પાટનગરમાં ચકચાર જગાવનાર બાળકી પરના અત્યાચાર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. 5 દિવસ પહેલા ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં બનેલી શરમજનક ઘટનાના આરોપી રામસિંગ ઉર્ફે રામ ગુલાટી યાદવને આજે સવારે જ સેક્ટર-25 માંથી પોલીસે ઝડપી લીધો હતો. ધરપકડ બાદ પોલીસ કાફલો આરોપીને લઈને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન (Reconstruction) અને પુરાવા એકત્ર કરવા માટે ગયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસને થાપ આપીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
આરોપી જાપ્તામાંથી ભાગી રહ્યો હતો ત્યારે સ્થળ પર હાજર સેક્ટર-21 ના મહિલા પીઆઈ લતા દેસાઈએ ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ પોલીસ ફાયરિંગ (Police Firing) કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ બિહારનો વતની છે અને અહીં જીઆઈડીસીમાં આવેલી અમૂલ ડેરીમાં કામ કરતો હતો. બનાવની રાત્રે તે શિકારની શોધમાં ભટકી રહ્યો હતો ત્યારે માસૂમ બાળકી લઘુશંકા માટે બહાર નીકળી હતી. નરાધમે મોકો જોઈને તેને ઉઠાવી લીધી હતી અને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને દબોચી લીધો હતો. આરોપી સામે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.





















