વિરાટ કોહલીની નિવૃતિ બાદ આ ખેલાડીઓને લાગી લોટરી ? મળી શકે છે નંબર-4 પર રમવાની તક
દિગ્ગજ અનુભવી ક્રિકેટર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ સાથે, ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો.

દિગ્ગજ અનુભવી ક્રિકેટર વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ સાથે, ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો. કોહલી હવે ફક્ત 50 ઓવરના ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. 36 વર્ષીય કોહલીએ ગયા વર્ષે જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર નિવૃત્તિની જાહેરાત કરી અને લખ્યું - વિરાટ કોહલીએ લખ્યું હતું કે, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લૂ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. ઇમાનદારીથી કહું તો મે ક્યારેય વિચાર્યું નહોતું કે આ ફોર્મેટ મને કઇ સફર પર લઈ જશે. તેણે મારી પરીક્ષા લીધી, મારું ઘડતર કર્યું અને મને એવા પાઠ શીખવ્યા કે હું જીવનભર સાથે રાખીશ."
વિરાટે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 46.85 ની સરેરાશથી 30 સદીની મદદથી 9230 રન બનાવ્યા. તેમણે જાન્યુઆરી 2025 માં સિડનીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. કોહલીની નિવૃત્તિ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આવી છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોહલીના સ્થાને એટલે કે ટેસ્ટમાં નંબર 4 પર કોણ રમશે. ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે જે હવે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે.
શ્રેયસ ઐયર
વિરાટે 123 ટેસ્ટ મેચમાંથી 98 મેચમાં ચોથા નંબરે બેટિંગ કરી અને 50 થી વધુની સરેરાશથી 7564 રન બનાવ્યા. કોહલી ટેસ્ટ ક્રિકેટ છોડ્યા પછી, કોઈપણ બેટ્સમેન માટે આ સ્થાન ભરવું સરળ નહીં હોય. ટીમ મેનેજમેન્ટની નજરમાં, કેટલાક ખેલાડીઓ એવા છે જે નંબર 4 પર મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આમાંનું એક નામ શ્રેયસ ઐયરનું પણ છે. શ્રેયસ ઐયર છેલ્લા કેટલાક મહિનાઓથી ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઐયરે નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં એક સદી અને એક અડધી સદી ફટકારીને અજાયબીઓ કરી હતી. ત્યારથી, ઐયરે 14 ટેસ્ટ મેચ રમી છે અને 24 ઇનિંગ્સમાં 36.86 ની સરેરાશથી 811 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. ઐયરે અત્યાર સુધી ટેસ્ટમાં 5 અને 6 નંબર પર બેટિંગ કરી છે, પરંતુ તે દરેક સ્થાન પર રમવામાં આરામદાયક લાગે છે. આ જ કારણ છે કે તે કોહલી પછી ખાલી પડેલી નંબર-4 પોઝિશન સંભાળી શકે છે.
શુભમન ગિલ
ભારતીય ટીમ પાસે પહેલાથી જ શુભમન ગિલ અને કેએલ રાહુલના રૂપમાં બે ટેકનિકલી મજબૂત બેટ્સમેન છે, જે વિરાટ કોહલીના નિવૃત્તિ પછી નંબર-4 પર બેટિંગ કરી શકે છે. ગયા વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરનાર રાહુલ ત્રીજા નંબરે પણ રમી શકે છે, જેના કારણે ગિલ એક સ્થાન ઉપર જઈને ચોથા નંબરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગિલે અત્યાર સુધી ટેસ્ટમાં ફક્ત નંબર 1 અને નંબર 3 વચ્ચે જ બેટિંગ કરી છે, પરંતુ જો તેને ટીમની કમાન સોંપવામાં આવે તો તે નંબર 4 ના પડકારને સ્વીકારશે. આ સ્થિતિમાં, સાઈ સુદર્શનને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવાની તક આપી શકાય છે.
સરફરાઝ ખાન
સરફરાઝ ખાન વિરાટ કોહલીની ગાદી સંભાળી શકે છે. ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવનાર સરફરાઝે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારીને બધાનું દિલ જીતી લીધું હતું. સરફરાઝે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને ફક્ત એક જ વાર નંબર-4 પર રમવાની તક મળી છે. જોકે, તેણે આ તકનો મહત્તમ ઉપયોગ કર્યો અને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી. તેણે બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા.




















