(Source: ECI/ABP News/ABP Majha)
PBKS Vs RR: હાર પછી કુંબલે લાલધૂમ, કહ્યું- હારવું અમારી આદત બની ગઈ છે
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ લગભગ જીતી લીધી હતી.
PBKS Vs RR: પંજાબ કિંગ્સને રાજસ્થાન રોયલ્સ સામે બે રને હારનો સામનો કરવો પડ્યો. પંજાબ કિંગ્સના કોચ અનિલ કુંબલે આ હારને કારણે ખૂબ જ નિરાશ છે. અનિલ કુંબલેએ સ્વીકાર્યું છે કે ઓછા માર્જિનથી મેચ હારવી પંજાબ કિંગ્સ માટે એક ટ્રેન્ડ બની ગયો છે.
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ લગભગ જીતી લીધી હતી. પંજાબ કિંગ્સને છેલ્લી ઓવરમાં માત્ર ચાર રનની જરૂર હતી અને તેની પાસે આઠ વિકેટ હતી. કાર્તિક ત્યાગીએ નિકોલસ પૂરણ અને દીપક હુડાને આઉટ કર્યા અને આ ઓવરમાં માત્ર એક રન આપી રાજસ્થાન રોયલ્સને રોમાંચક જીત અપાવી.
પંજાબ કિંગ્સનો પ્રયાસ 19 ઓવરમાં મેચ જીતવાનો હતો. કુંબલેએ કહ્યું, "હા, તે એક ટ્રેન્ડ બની ગયો છે ખાસ કરીને જ્યારે પણ અમે દુબઈમાં રમીએ ત્યારે એવું થાય છે. અમે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે મેચ 19 ઓવરમાં જીતવી છે અને તે વલણ સાથે રમવી જોઈએ.
કુંબલેએ ત્યાગીની પ્રશંસા કરી
કુંબલેએ સ્વીકાર્યું છે કે મેચને છેલ્લી ઓવરમાં લઈ જવાથી પંજાબ કિંગ્સને મોંઘુ પડ્યું. કોચે કહ્યું, "કમનસીબે અમે તેને અંત સુધી ખેંચી અને જ્યારે નવો બેટ્સમેન છેલ્લા બે બોલ સામે હોય ત્યારે તે લોટરી જેવો બની જાય છે."
જોકે, પૂર્વ લેગ સ્પિનરે પણ ત્યાગીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, “ત્યાગીએ જે રીતે છેલ્લી ઓવર ફેંકી, તેનો શ્રેય તેમને જાય છે. તે સ્વાભાવિક હતું કે તે ઓફ-સ્ટમ્પની બહાર બોલિંગ કરશે પરંતુ અમારા બેટ્સમેનોએ યોગ્ય શોટ્સની પસંદગી કરી ન હતી.”
રાજસ્થાન રોયલ્સ સામે મેચ હારવી પંજાબ કિંગ્સની ટીમ માટે ભારે પડી શકે છે. પંજાબ કિંગ્સે 9 માંથી માત્ર ત્રણ મેચ જીતી છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે પંજાબ કિંગ્સે પોતાની બાકીની પાંચ મેચ જીતવી પડશે.