CSK માટે વધુ 10 વર્ષ રમશે રવિન્દ્ર જાડેજા !, CSKની પોસ્ટ પર આપ્યો રસપ્રદ જવાબ
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયાના 10 વર્ષ પુરા થયા છે.

ચેન્નઇઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયાના 10 વર્ષ પુરા થયા છે. આ અવસર પર સીએસકેએ પોતાના આ દિગ્ગજ ઓલરાઉન્ડર માટે એક ટ્વિટ કર્યું છે. જેના પર રવિન્દ્ર જાડેજાએ રસપ્રદ જવાબ આપ્યો છે.
સીએસકેએ રવિન્દ્ર જાડેજાની ક્લબમાં એન્ટ્રી અને 10 વર્ષ પછીની બે તસવીરોને સાથે રાખી ટ્વિટ કર્યું છે. જેમાં સુપર જડ્ડૂના 10 વર્ષ એવું લખાણ લખ્યું છે. જેના પર રવિન્દ્ર જાડેજાએ તરત જ રિપ્લાય આપ્યો હતો અને લખ્યું કે હજુ વધુ 10 વર્ષ રહેશે.
રવિન્દ્ર જાડેજાએ આઇપીએલના પ્રારંભિક બે સિઝન રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા. આઇપીએલ 2010માં તે કોઇ કારણથી ભાગ લઇ શક્યા નહોતા. ત્યારબાદ 2011માં તે કોચ્ચિ ટસ્કર્સ સાથે જોડાયો હતો. બાદમાં 2012થી તે ચેન્નઇ સુપરકિંગ્સ ટીમમાં છે. આઇપીએલ 2022માં તે આ ટીમ સાથે જ જોડાયેલા રહેશે. ચેન્નઇની ટીમે તેને 16 કરોડ રૂપિયા આપી રિટેન કર્યો છે. હવે તે પોતાની ટીમના કેપ્ટન ધોની કરતા પણ મોંઘો ખેલાડી બની ગયો છે.
જાડેજા અત્યાર સુધીમાં 200 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. આ ઓલરાઉન્ડરના નામે આઇપીએલમાં 2386 રન અને 127 વિકેટ નોંધાયેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખેલાડી ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો છે. ટેસ્ટ ક્રિકેટમાં અનેક અવસર પર આર.અશ્વિનના સ્થાને જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.




















