ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્માએ કરી બતાવ્યો
રોહિત શર્માએ બે વર્ષમાં બે ICC ખિતાબ જીતીને ધોનીને પણ પાછળ છોડ્યો, જાણો કેવી રીતે.

Rohit Sharma back-to-back ICC Trophies: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વધુ એક ICC ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે આખી ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. બાંગ્લાદેશ સામે જીત સાથે શરૂ થયેલી વિજય યાત્રા ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ સુધી અવિરત રહી હતી. એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ત્રણ ICC ખિતાબ અપાવ્યા છે, પરંતુ રોહિત શર્માએ જે સિદ્ધિ મેળવી છે, તે ધોની પણ નથી કરી શક્યા.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. જેમાં ત્રણ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને બે વખત જીત મેળવી છે. વર્ષ 2002માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી, જ્યાં ફાઇનલમાં વરસાદને કારણે મેચ રદ્દ થતા ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. ત્યારબાદ, વર્ષ 2013માં ટીમ ઈન્ડિયા ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી અને ઈંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. વર્ષ 2017માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી, પરંતુ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને હવે, 2025માં રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી ફાઇનલમાં શાનદાર જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો કર્યો છે.
જો એમએસ ધોનીની વાત કરીએ તો, તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ત્રણ ICC ટાઇટલ જીત્યા છે. વર્ષ 2007માં ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીએ પ્રથમ ICC ટ્રોફી જીત્યા બાદ બીજી ટ્રોફી જીતવામાં ચાર વર્ષ લીધા હતા, અને બીજી અને ત્રીજી ટ્રોફી વચ્ચે બે વર્ષનો ગેપ હતો. પરંતુ રોહિત શર્માએ માત્ર બે વર્ષના સમયગાળામાં બે ICC ટાઇટલ જીતીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે રોહિત શર્મા એમએસ ધોની કરતા પણ આગળ નીકળી ગયા છે, અને તેમણે એવો ચમત્કાર કરી બતાવ્યો છે જે એમએસ ધોની પણ નથી કરી શક્યા.
આ પણ વાંચો....
IND vs NZ ફાઈનલ: મેચ પહેલા વિરાટ કોહલીએ કર્યું કઈંક ખાસ, અનુષ્કા સાથેનો વીડિયો થયો વાયરલ!



















