International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League:ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચ ઇન્ડિયા માસ્ટર્સ અને ઇંગ્લેન્ડ માસ્ટર્સની ટીમો વચ્ચે રમાઈ હતી

International Masters League: ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચ ઇન્ડિયા માસ્ટર્સ અને ઇંગ્લેન્ડ માસ્ટર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળની ઇન્ડિયા માસ્ટર્સ એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં સચિન તેંડુલકરની તોફાની ઇનિંગ જોવા મળી હતી. ગુરકીરત સિંહ માને પણ એક શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી હતી. ઈન્ડિયા માસ્ટર્સે અગાઉ શરૂઆતની મેચમાં શ્રીલંકા માસ્ટર્સને હરાવ્યું હતું.
Sachin Tendulkar scored 34 (21) with 5 fours and a six.
- The master going strong at 51. 🔥 pic.twitter.com/BxwZV2me8S— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2025
ઇંગ્લેન્ડ માસ્ટર્સ ટીમ ફક્ત 132 રન જ કરી શકી
આ મેચમાં ઇન્ડિયા માસ્ટર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ માસ્ટર્સ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ કરી શકી હતી. આ દરમિયાન ડેરેન મેડીએ સૌથી વધુ 25 રન કર્યા હતા. ટિમ એમ્બ્રોસે 23 રનનું યોગદાન આપ્યું હતું. ક્રિસ સ્કોફિલ્ડે પણ 18 રન કર્યા હતા. બીજી તરફ ઇન્ડિયા માસ્ટર્સ માટે ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અભિમન્યુ મિથુન અને પવન નેગીએ પણ 2-2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, વિનય કુમારને 1 સફળતા મળી હતી.
સચિન તેંડુલકર અને ગુરકીરત માનની તોફાની ઇનિંગ્સ
133 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સચિન તેંડુલકર અને ગુરકીરત માને ઈન્ડિયા માસ્ટર્સ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 43 બોલમાં 75 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સચિન તેંડુલકરે 161.90ના સ્ટ્રાઇક રેટથી 21 બોલમાં 34 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હચો. બીજી તરફ, ગુરકીરત સિંહ માને 180ના સ્ટ્રાઇક રેટથી 35 બોલમાં અણનમ 63 રન ફટકાર્યા હતા. ગુરકીરતે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ ઉપરાંત યુવરાજ સિંહે પણ 14 બોલમાં અણનમ 27 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025માં કુલ 6 ટીમો રમી રહી છે. ઇન્ડિયા માસ્ટર્સ હાલમાં 2 મેચમાં 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ પોતાની પહેલી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સિવાય, અન્ય કોઈ ટીમનું ખાતું હાલમાં ખુલ્યું નથી.

