આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
રોહિત શર્માના નેતૃત્વમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સાથે રમવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટેની આ ટીમમાં આવા ઘણા ખેલાડીઓની પણ ચર્ચા થઈ રહી હતી, જેમણે આ ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમ છતાં તેમને તક મળી નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે પાંચ કમનસીબ ખેલાડીઓ વિશે.
ભારતીટ ટીમ આ પ્રમાણે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (હર્ષિત રાણા ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ દરમિયાન બુમરાહનું સ્થાન લેશે. બુમરાહ આ શ્રેણીમાં નહીં રમે), મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.
સંજુ સેમસન
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ચર્ચાઈ રહેલા ખેલાડીઓની યાદીમાં સંજુ સેમસનનું નામ પણ સામેલ હતું, પરંતુ કમનસીબે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને વિજય હજારે ટ્રોફીમાં ન રમવા બદલ સજા કરવામાં આવી છે. બીજું પાસું એ છે કે ઋષભ પંત ટીમનો મુખ્ય વિકેટકીપર હશે અને કેએલ રાહુલ બેકઅપ તરીકે ત્યાં હશે તે નિશ્ચિત છે. આ કારણે પણ સંજુ સેમસન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
ઈશાન કિશન
સંજુની સાથે ઈશાન કિશન પણ કમનસીબ રહ્યો હતો. ODIમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન ટીમ ઈન્ડિયા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. ઈશાનને 2023ની ODI વર્લ્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તેને પડતો મૂકવામાં આવ્યો હતો. તે લાંબા સમય સુધી ડોમેસ્ટિક ક્રિકેટથી પણ દૂર રહ્યો, પરંતુ તેની વાપસી બાદ ઈશાન શાનદાર રીતે રમ્યો. જો કે તેમ છતાં તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નહોતો.
યુઝવેન્દ્ર ચહલ
સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલને પણ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તક મળી નથી. યુઝવેન્દ્ર ચહલ ગયા વર્ષે ICC T20 વર્લ્ડ કપમાં ટીમનો સભ્ય હતો, પરંતુ તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ચહલને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ તક મળી નથી. આ જ કારણ છે કે આઈસીસીની આ મોટી ટૂર્નામેન્ટમાં પણ તેની અવગણના કરવામાં આવી છે.
મોહમ્મદ સિરાજ
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું પત્તુ કપાઈ ગયું છે. સિરાજ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ શમી અને અર્શદીપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સિરાજને બહાર કરવાનો નિર્ણય લીધો છે. સિરાજનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઘણો ખરાબ રહ્યો હતો. સિરાજ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ ભાગ લઈ રહ્યો નથી.
શિવમ દુબે
શિવમ દુબેને પણ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શિવમ દુબેને ગયા વર્ષે ICC T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી, શિવમે ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે માત્ર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.




















