શ્રેયસ ઐયરની કેપ્ટનશીપનો જલવો યથાવત, પંજાબ બાદ આ ટીમને પ્લેઓફમાં પહોંચાડી
ઐયરની ટીમ પંજાબ કિંગ્સને IPL 2025 સીઝનની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો

ભારતીય ક્રિકેટમાં શ્રેયસ ઐયર અને તેની કેપ્ટનશીપ હાલમાં ચર્ચાનો વિષય છે. ગયા વર્ષે ઐયરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે IPL જીતી હતી અને મુંબઈ ક્રિકેટ ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. આ વર્ષે ઐયરે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી હતી અને 11 વર્ષ પછી પંજાબને IPL ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ભલે તે આ વખતે ટાઇટલ જીતી શક્યું નહીં પરંતુ દેશભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ ઐયરનો જાદુ હજુ સમાપ્ત થયો નથી કારણ કે હવે તે મુંબઈ T20 લીગમાં તેની ટીમને પ્લેઓફમાં લઈ ગયો છે.
નવી ટીમને પ્લેઓફમાં લઈ ગયો
ઐયરની ટીમ પંજાબ કિંગ્સને IPL 2025 સીઝનની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હારને તરત જ પાછળ છોડીને ઐયરે મુંબઈ T20 લીગમાં સોબો મુંબઈ ફાલ્કન્સની કેપ્ટનશીપ સંભાળી અને ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો. ઐયર લીગની ફક્ત પહેલી મેચમાં જ રમી શક્યો ન હતો, પરંતુ બીજી મેચથી તેણે ટીમની કેપ્ટનશીપ સંભાળી અને ટીમને આગામી બે મેચમાં જીત અપાવી હતી. જોકે, સીઝનની ચોથા મેચમાં તેની ટીમને ઇગલ થાણે સ્ટ્રાઇકર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ટીમ ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં પહોંચી ગઈ હતી.
IPLની લાંબી સીઝનના થાક છતાં આ ટુર્નામેન્ટમાં રમવા આવેલા ઐયર હજુ સુધી અદભૂત બેટિંગ કરી શક્યો નથી. IPL 2025 માં પંજાબ કિંગ્સ માટે 17 મેચમાં સૌથી વધુ 604 રન બનાવનાર ઐયરને બે મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી પરંતુ તે ફક્ત 38 રન જ કરી શક્યો હતો. પરંતુ તેમ છતાં તે પ્લેઓફ જેવી મેચમાં પોતાની પ્રતિભા બતાવી શકે છે. જેમ તેણે બીજી ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 87 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપની રેસમાં ઐયર
હવે બધાની નજર તેના પર રહેશે કે શું ઐયર IPL ફાઇનલની નિષ્ફળતાને પાછળ છોડીને મુંબઈ T20માં ટાઇટલ સફળતા પ્રાપ્ત કરી શકશે કે નહીં. ઐયરની મજબૂત કેપ્ટનશીપની આ ઝલક એવા સમયે આવી છે જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ હવે તેમને ટીમ ઈન્ડિયાના કેપ્ટનશીપના દાવેદાર માની રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIના અધિકારીઓ પણ IPL અને તે પહેલાની બાકીની ટુર્નામેન્ટમાં ઐયરની નેતૃત્વ ક્ષમતાથી પ્રભાવિત થયા છે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની વન-ડે અને ટી-20 ટીમમાં કેપ્ટનશીપના દાવેદારોમાં તેમનો સમાવેશ કર્યો છે.




















