એશિયા કપ ફાઈનલ નહીં રમી શકે સૂર્યકુમાર ? પાકિસ્તાનની ફરિયાદ બાદ લાગશે પ્રતિબંધ ? જાણો નિયમ
ભારત સામે હાર્યા બાદ વ્યથિત પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પીસીબીએ ભારતના ટી20 કેપ્ટનના નિવેદનો અંગે આઈસીસીને ફરિયાદ કરી છે.

2025ના એશિયા કપમાં ભારત સામે હાર્યા બાદ વ્યથિત પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પીસીબીએ ભારતના ટી20 કેપ્ટનના નિવેદનો અંગે આઈસીસીને ફરિયાદ કરી છે. ત્યારબાદ આઈસીસી મેચ રેફરીએ ભારતીય ક્રિકેટ ટીમને ઈમેલ મોકલ્યો છે.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, મેચ રેફરી રિચી રિચાર્ડસનએ એવોર્ડ સમારંભ દરમિયાન અને પ્રેસ કોન્ફરન્સમાં આપેલા તેમના નિવેદનો અંગે સૂર્યકુમાર યાદવ પાસેથી સ્પષ્ટતા માંગી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે પીસીબીએ સૂર્યકુમાર યાદવ અંગે આઈસીસીમાં બે ફરિયાદો નોંધાવી છે. આઈસીસીએ પીસીબીની ફરિયાદના આધારે મેચ રેફરી રિચી રિચાર્ડસનને બે રિપોર્ટ મોકલ્યા છે, જેના પગલે ભારતીય ટીમને ઈમેલ મોકલવામાં આવ્યો છે.
રિચી રિચાર્ડસનના ઈમેલમાં જણાવાયું છે કે આઈસીસીએ તેમને હેન્ડલ કરવા માટે બે રિપોર્ટ મોકલ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ પ્રેઝન્ટેશન અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવના નિવેદનો અંગે બે ફરિયાદો નોંધાવી હતી. સમગ્ર રિપોર્ટની સમીક્ષા કર્યા પછી અને પુરાવાઓની તપાસ કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે સૂર્યકુમાર યાદવે આપેલા નિવેદનથી રમતની છબી ખરાબ થઈ છે. આ તેમના વિરુદ્ધ આરોપ છે. આ ઇમેઇલમાં જણાવાયું છે કે જો સૂર્યકુમાર યાદવ આરોપ સ્વીકારશે નહીં, તો સુનાવણી થશે. તે સુનાવણીમાં હું, સૂર્યકુમાર યાદવ અને PCB પ્રતિનિધિ શામેલ હશે.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું ?
2025 એશિયા કપના લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ જીત પુલવામાના પીડિતોને સમર્પિત છે. ત્યારબાદની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ કહ્યું કે તેમને સરકાર અને BCCI તરફથી સૂચનાઓ મળી છે કે વિજય પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો.
શું સૂર્યકુમાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે ?
ICC નિયમો અનુસાર, આ કેસ લેવલ 1 ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખેલાડી પર પ્રતિબંધ નથી. ફક્ત મેચ ફીનો દંડ લાદવામાં આવી શકે છે. ખેલાડી પર ફક્ત ત્યારે જ પ્રતિબંધ મૂકવામાં આવે છે જો લેવલ 2, 3 અથવા 4 ઉલ્લંઘન હોય.
સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે એશિયા કપ 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું છે, ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ જીતી છે. ત્યારબાદ તેઓએ સુપર ફોરમાં પાકિસ્તાન અને બુધવારે બાંગ્લાદેશને હરાવ્યું હતું.



















