T20 World Cup: આઈસીસીનો મોટો નિર્ણય, સ્ટેડિયમમાં 70 ટકા દર્શક ક્ષમતા સાથે રમાશે ટી20 વર્લ્ડ કપ મેચ
બીસીસીઆઈ યુએઈ અને ઓમાનમાં યોજાનારા આ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે.
T20 World Cup: આઈસીસીએ યુએઈ અને ઓમાનમાં રમાનારા આગામી ટી 20 વર્લ્ડ કપ દરમિયાન મેદાનમાં દર્શકોની સંખ્યાને લઈને મોટો નિર્ણય લીધો છે. આઈસીસીએ રવિવારે કહ્યું છે કે ટી 20 વર્લ્ડ કપની તમામ મેચ દરમિયાન 70 ટકા દર્શકોને મેદાનમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. દર્શકોની સંખ્યાના સંદર્ભમાં, આ ટુર્નામેન્ટ કોવિડ -19 રોગચાળા દરમિયાન યુએઈમાં આયોજિત સૌથી મોટી ઇવેન્ટ હશે. આઈપીએલ બાદ આ ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે અહીં રમાવાનો છે.
બીસીસીઆઈ યુએઈ અને ઓમાનમાં યોજાનારા આ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. આઈસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું, "અમે અને બીસીસીઆઈએ મેદાનમાં દર્શકોની સંખ્યાને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપૂર્ણ ચર્ચા કરી હતી. તે પછી જ અમે દર્શકોની સંખ્યા નક્કી કરી છે. તેમજ અમે આ નક્કી કર્યું છે. કે, આ દરમિયાન સલામત વાતાવરણ અને કોવિડ -19 ના નિયમોનું તમામ આધાર પર સખત પાલન કરવામાં આવશે.”
વર્લ્ડ કપની ટિકિટનું વેચાણ શરૂ થયું
ટી20 વર્લ્ડ કપ માટે ટિકિટનું વેચાણ યુએઈ અને ઓમાન બંનેમાં શરૂ થઈ ગયું છે. અબુ ધાબીના સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પોડ્સ પણ બનાવવામાં આવ્યા છે. દરેક પોડમાં ચાર દર્શકોને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય ઓમાન ક્રિકેટ એકેડમીમાં પણ કામચલાઉ માળખું બનાવવામાં આવ્યું છે, જેમાં 3000 દર્શકો મેચ જોઈ શકશે.
17 ઓક્ટોબરથી શરૂ થશે
ટી20 વર્લ્ડ કપ 15 ઓક્ટોબરના રોજ આઇપીએલ ફાઇનલના એક દિવસ બાદ 17 ઓક્ટોબરથી શરૂ થશે. આ વર્ષે આ વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો હતો પરંતુ કોવિડ -19 ના કારણે તેને યુએઈ અને ઓમાનમાં ખસેડવામાં આવ્યો છે. જોકે ટુર્નામેન્ટનું આયોજન BCCI દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત 17 ઓક્ટોબરે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ મેચથી થશે. આ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ આઠ દેશો વચ્ચે રમાશે. જેમાંથી ચાર ટીમો સુપર -12 રાઉન્ડ એટલે કે મુખ્ય ઇવેન્ટ માટે ક્વોલિફાય થશે.
ભારત સહિત આઠ ટીમો આઈસીસી રેન્કિંગના આધારે સુપર -12 માં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. ભારત 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે.