Team India : BCCIની શુભમન ગીલને આડકતરી ચેતવણી
મેચના ચોથા દિવસે શનિવારે (10 જૂન) ભારતીય ટીમનો બીજો દાવ શરૂ થયો હતો. ઓપનર શુભમન ગિલ બીજી ઈનિંગમાં વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો.
BCCI Official : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચના ચોથા દિવસે શનિવારે (10 જૂન) ભારતીય ટીમનો બીજો દાવ શરૂ થયો હતો. ઓપનર શુભમન ગિલ બીજી ઈનિંગમાં વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. IPLમાં ઓરેન્જ કેપ જીતનાર ગિલે 19 બોલમાં 18 રન બનાવ્યા હતા. તે સ્કોટ બોલેન્ડની બોલિંગ પર કેમેરોન ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. જો કે, ગ્રીનના કેચ પર સવાલો ઉઠી રહ્યા છે અને લોકોનું માનવું છે કે તેનો આ કેચ સ્પષ્ટ નહોતો.
ભારતના ઓપનરે બાદમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં અમ્પાયરો પર નિશાન સાધતા આઉટ થવા પર તેની હતાશા વ્યક્ત કરી હતી. શુભમને શનિવારે મોડી રાત્રે ગ્રીન કેચની તસવીર શેર કરી હતી. જોકે, BCCI શુભમનના આ વલણથી નાખુશ જણાય છે. આ મામલે ચર્ચા કરવાને લઈને BCCIએ ઇશારામાં જ શુભમનને ચેતવણી આપી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
ભારતની બીજી ઇનિંગમાં શુભમન ગિલ અને રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી. બંનેએ સાત ઓવરમાં 41 રનની ભાગીદારી નોંધાવી હતી. લાગી રહ્યું હતું કે, ટેસ્ટ મેચમાં બંને બેટ્સમેન ODI સ્ટાઈલમાં રમી રહ્યા હતા. આઠમી ઓવરમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે સ્કોટ બોલેન્ડને બોલિંગ માટે બોલાવ્યો હતો. બોલેન્ડે પહેલો જ બોલ ગુડલેંથ કર્યો હતો. ગિલ બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ બેટની બહારના કિનારે અડ્યો અને ગલીમાં કેમેરોન ગ્રીન પાસે ગયો હતો. ગ્રીને તેની ડાબી તરફ ડાઇવ કરીને એક હાથે કેચ લીધો હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે, બોલ જમીન પર અડી ગયો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે ગિલને આઉટ આપ્યો હતો.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષે નિવેદન આપ્યું
થર્ડ અમ્પાયરના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર લોકોના અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા હતા. દરમિયાન, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ બાબતને વધારે પ્રાધાન્ય ના આપવા જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં રાજીવ શુક્લાએ ગિલને ઈશારા ઈશારામાં જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે આને લઈને વિવાદ ના ઉભો કરવો જોઈએ. આપણે ત્રીજા અમ્પાયરના નિર્ણયને સ્વીકારવો જોઈએ.
કેચ પકડનાર ગ્રીને શું કહ્યું?
દિવસની રમત બાદ મીડિયા સાથે વાત કરતા કેમેરોન ગ્રીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. ગ્રીને કહ્યું હતું કે, તે સમયે મેં ચોક્કસપણે વિચાર્યું કે, મેં તેને ઝડપી લીધો છે. મને લાગ્યું કે, કેચ ક્લીન છે અને પછી બોલ ફેંકી દીધો. દેખીતી રીતે તેમાં કોઈ જ શંકા નથી અને બાદમાં નિર્ણયને થર્ડ અમ્પાયર પર છોડી દેવામાં આવ્યો હતો. તે અમારી સાથે સંમત થયા હતાં.