Womens T20 World Cup: આજથી મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, ટાઇટલ માટે 10 ટીમો વચ્ચે જામશે જંગ
મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર એવું થશે કે ફિલ્ડ અમ્પાયરથી લઈને મેચ અધિકારીઓ સુધીની દરેક જવાબદારી મહિલાઓ નિભાવશે.
ICC Women’s T20 World Cup 2023: મહિલા ક્રિકેટનો મહાકુંભ એટલે કે મહિલા T20 વર્લ્ડ કપ આજથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થશે. પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકા કેપટાઉનમાં શ્રીલંકા સાથે ટકરાશે. આ ટુર્નામેન્ટની 8મી સિઝન છે. 17 દિવસીય મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તેમની વચ્ચે કુલ 23 મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે 2020માં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે ભારતીય ટીમ કોઈપણ ભોગે ટાઈટલ જીતવા ઈચ્છશે.
મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર એવું થશે કે ફિલ્ડ અમ્પાયરથી લઈને મેચ અધિકારીઓ સુધીની દરેક જવાબદારી મહિલાઓ નિભાવશે. આ પહેલા મહિલા અંડર-19 T20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. ભારતે તેનું ટાઇટલ જીત્યું હતું. મહિલા T20 વર્લ્ડકપની મોટાભાગની મેચો સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને કેપટાઉનમાં રમાશે. આ સિવાય કેટલીક મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં અને 5 મેચ પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે.
હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. આ સિવાય 15 ફેબ્રુઆરીએ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ રમાશે. બીજી તરફ 18 અને 20 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ આમને-સામને થશે.
10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે
મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડની ટીમો છે. દરેક ટીમ તેના ગ્રુપની અન્ય 4 ટીમો સામે એક-એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો 23 અને 24 ફેબ્રુઆરીએ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. T20 વર્લ્ડકપની ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમાશે. ટાઇટલ મેચ માટે એક દિવસનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
યજમાન હોવાને કારણે દક્ષિણ આફ્રિકા મહિલા T20 વર્લ્ડ કપ માટે સીધું જ ક્વોલિફાય થયું અને 30 નવેમ્બર 2021ના રેન્કિંગ મુજબ ટોપ-7 ટીમોમાં સામેલ થયું. બાકીના બે સ્થાનો માટે 37 દેશો વચ્ચે ક્વોલિફાયર રમાયા હતા જેમાં બાંગ્લાદેશ અને આયરલેન્ડ મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યા હતા.
ભારતીય ટીમના તાજેતરના ફોર્મને જોતા તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા છે. ભારતના ગ્રુપમાં ઈંગ્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જે વધુ મજબૂત છે. બાકી પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝને હરાવવાની શક્તિ ભારતીય ટીમ ધરાવે છે.
ઓસ્ટ્રેલિયા પ્રબળ દાવેદાર
ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ વખત મહિલા T20 વર્લ્ડ કપ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા 5 વખત ચેમ્પિયન બન્યું છે. 2009માં ઈંગ્લેન્ડ અને 2016માં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ભારત અત્યાર સુધી રમાયેલા 7 ટી-20 વર્લ્ડકપમાં 3 વખત સેમિફાઇનલ અને એક વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાએ 2020 વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ રમી હતી. 2012, 2014 અને 2016માં ભારત ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું.