કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા, T20 નિવૃત્તિમાંથી યુ-ટર્ન લેશે? જાણો IPL 2025 પહેલા શું કહ્યું
RCBની ઇવેન્ટમાં કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ફરી રમવાની શક્યતા નકારી, પરંતુ 2028 ઓલિમ્પિક માટે T20માં વાપસીના આપ્યા સંકેત.

Virat Kohli Test retirement: IPL 2025ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના નિવેદનોથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે, તો બીજી તરફ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, વિરાટ કોહલીએ તાજેતરમાં પોતાની નિવૃત્તિ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેણે ખરેખર એ વિશે વિચાર્યું નથી કે નિવૃત્તિ પછી તે શું કરવા માંગે છે. તેણે પોતાના એક સાથી ખેલાડી સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હા, નિવૃત્તિ પછી તે કદાચ ઘણો પ્રવાસ કરવાનું પસંદ કરશે.
ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે કદાચ હવે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નહીં જઈ શકે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું કદાચ મારી કારકિર્દીમાં આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસ કરી શકીશ નહીં, તેથી અત્યાર સુધી જે થયું છે તેનાથી હું સંતુષ્ટ છું." ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે છેલ્લે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે કોહલીનું બેટ ધાર્યું પ્રદર્શન કરી શક્યું નહોતું, જોકે તેણે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સદી જરૂર ફટકારી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચોમાં તેણે માત્ર 190 રન બનાવ્યા હતા.
પરંતુ ચાહકો માટે એક સારા સમાચાર પણ છે. વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ પર યુ-ટર્ન લેવાના સંકેત આપ્યા છે. 2028માં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ થવાનો છે અને આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. અગાઉ વિરાટની નિવૃત્તિ બાદ એવું માનવામાં આવતું હતું કે તે ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકે. પરંતુ હવે તેણે કહ્યું છે કે જો ભારતીય ટીમ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચે છે, તો તે ચોક્કસપણે તે મેચ માટે પોતાની નિવૃત્તિમાંથી બહાર આવવા વિશે વિચારી શકે છે. વિરાટે ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષણને ખૂબ જ યાદગાર ગણાવી છે.
વિરાટ કોહલીના આ નિવેદનોએ તેના ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. એક તરફ તેઓ ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્યને લઈને ચિંતિત છે, તો બીજી તરફ ઓલિમ્પિકમાં તેને T20 ફોર્મેટમાં રમતો જોવાની આશા પણ રાખી રહ્યા છે. હવે સૌની નજર IPL 2025 પર રહેશે, જ્યાં વિરાટ કોહલીના પ્રદર્શનથી તેના ભવિષ્ય અંગે વધુ અંદાજો લગાવી શકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
