Team India Coach: ગંભીરને પુછવામાં આવ્યા તીખા સવાલો,રોહિત-વિરાટને કેવી રીતે કરજો મેનેજ? શું વનડે-ટી20મા અલગ અલગ હોવા જોઈએ કેપ્ટન
Team India Coach: ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમન વચ્ચે રેસ ચાલી રહી છે. તેમના તાજેતરના ઇન્ટરવ્યુમાં તેમને ખૂબ જ આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
Team India Coach: આ દિવસોમાં ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ ચર્ચામાં છે. એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યારે ગૌતમ ગંભીર(Gautam Gambhir) ઈન્ટરવ્યુનો પહેલો રાઉન્ડ આપવા આવ્યો ત્યારે તેને ખૂબ જ આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ગંભીરની કઠિન પરીક્ષા લેવા તૈયાર હતી. તેના સિવાય ભારતીય મહિલા ટીમના કોચ રહેલા ડબલ્યુવી રમનને પણ આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ ઇન્ટરવ્યુ 'ઝૂમ' દ્વારા થયું હતું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલ્યું હતું અને જેમાં બંને પાસેથી મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગંભીર અને રમન બંનેનું પ્રેઝન્ટેશન શાનદાર હતું, પરંતુ એવી અટકળો પણ થઈ રહી છે કે તેમનું બીજુ ઈન્ટરવ્યૂ પણ થઈ શકે છે.
કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા?
રેવ સ્પોર્ટ્સ અનુસાર, ગંભીર અને રમનને 3 મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ એ હતો કે ભારતીય ટીમના કોચિંગ સ્ટાફ વિશે તેમનો શું અભિપ્રાય છે? બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ટીમના બેટિંગ અને બોલિંગ વિભાગમાં કેટલાક ઉમરલાયક લોકો છે, આવી સ્થિતિમાં તેઓ ટીમમાં પરિવર્તન કેવી રીતે લાવશે? ત્રીજો અને છેલ્લો પ્રશ્ન એ હતો કે અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હોવા અંગે તેમનો શું અભિપ્રાય છે અને ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવામાં કેમ નિષ્ફળ રહી છે?
ગંભીર અને રમન પાસેથી માંગવમાં આવ્યો રોડમેપ
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પહેલા ગંભીર અને પછી રમનનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. બંને ઈન્ટરવ્યુ 'ઝૂમ' દ્વારા લેવામાં આવ્યા હતા. તેણે ભારતીય ક્રિકેટનો રોડમેપ રજૂ કર્યો હતો અને એક PPT પણ રજૂ કરી હતી. આ ઈન્ટરવ્યુ લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો હતો. શરૂઆતમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેનું પ્રેઝન્ટેશન પણ જોવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેનો ઈન્ટરવ્યુ સારો રહ્યો અને તેમનું પ્રેઝન્ટેશન પણ શાનદાર હતું, પરંતુ શક્તા એવી વધારે છે કે ગૌતમ ગંભીર બાજી મારી જાય.
ગંભીરને અલગ કેપ્ટન જોઈએ છે!
ગૌતમ ગંભીર અગાઉ પણ કહેતો આવ્યો છે કે ભારતીય ટીમને અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન આપવામાં આવે. તેનું માનવું છે કે તેનાથી કોઈ એક ખેલાડી પર દબાણ નહીં આવે. તેમના મતે જો ટીમ ઈન્ડિયા પાસે લાલ અને સફેદ બોલના ક્રિકેટમાં અલગ કેપ્ટન હોય તો વર્કલોડને મેનેજ કરી શકાય છે અને ફોર્મેટ પ્રમાણે રણનીતિ તૈયાર કરી શકાય છે. આ સિવાય કહેવાય છે કે ગંભીરે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ માટે અલગ-અલગ કોચ લાવવાનું પણ સૂચન કર્યું છે.
નવા કોચનો કાર્યકાળ ક્યારે શરૂ થશે?
ભારતીય ટીમના મુખ્ય કોચ હાલમાં રાહુલ દ્રવિડ છે, જેનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. તેનો અર્થ એ છે કે T20 વર્લ્ડ કપ 2024ની સમાપ્તિ સાથે, ટીમ ઈન્ડિયા સાથે કોચ તરીકેની તેની સફર સમાપ્ત થઈ જશે. આ દરમિયાન, 1 જુલાઈથી એક નવો કોચ ચાર્જ સંભાળશે, જેઓ 2027 ODI ક્રિકેટ વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. આ સમયગાળા દરમિયાન, સફેદ બોલની ક્રિકેટમાં 3 ICC ટૂર્નામેન્ટ રમવાની છે.