Wriddhiman Saha Text Case: રિદ્ધિમાન સાહાને ધમકી આપનાર પત્રકારને મળી આવી સજા, જાણો અન્ય ખેલાડીઓને શું સલાહ અપાશે
એક પત્રકાર સાહાનો ઈન્ટરવ્યુ લેવા ઈચ્છતો હતો. પત્રકારે રિદ્ધિમાન સાહાને મેસેજ પણ કર્યો અને કોલ પણ કર્યો પરંતુ સાહાએ તેનો જવાબ ન આપ્યો. આ પછી પત્રકારે સાહાને વોટ્સએપ પર ધમકી આપી હતી.
Wriddhiman Saha Text Case: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ધમકી આપવાના કેસમાં પત્રકાર બોરિયા મઝુમદારને દોષી ઠેરવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ બોરિયા મઝુમદારને બે વર્ષ માટે બ્લેક લિસ્ટમાં રાખ્યો છે. એટલે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મજુમદાર પર ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં બે વર્ષનો પ્રતિબંધ રહેશે. હવે તે દેશના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં અને ના તો કોઈ ખેલાડીનો ઈન્ટરવ્યુ લઈ શકશે.
BCCIએ રિદ્ધિમાન સાહા અને બોરિયા મજુમદાર વિવાદની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમાં રાજીવ શુક્લા, અરુણ સિંહ ધૂમલ અને પ્રભતેજ સિંહ ભાટિયાનો સમાવેશ કરાયો હતો. આ સમિતિએ હવે તેના તપાસ અહેવાલમાં મજુમદારને દોષિત જાહેર કર્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "અમે તમામ રાજ્યોના ક્રિકેટ બોર્ડને જાણ કરીશું કે બોરિયા મજમુદારને કોઈપણ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી ના આપે. ડોમેસ્ટિક મેચોમાં પણ મજમુદારને માન્યતા નહી આપવામાં આવે. મજુમદારને બ્લેકલિસ્ટ કરવા માટે અમે ICCને પણ પત્ર લખીશું. ખેલાડીઓને મજુમદાર સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન કરવા માટે સુચના આપવામાં આવશે."
શું છે સમગ્ર મામલો?
સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ બાદથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટીમ મેનેજમેન્ટે રિદ્ધિમાન સાહાને વધુ તક ના આપવાનું મન બનાવી લીધું છે. આ પછી સાહાએ રણજી ટીમમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એક પત્રકાર આ મુદ્દે સાહાનો ઈન્ટરવ્યુ લેવા ઈચ્છતો હતો. પત્રકારે રિદ્ધિમાન સાહાને મેસેજ પણ કર્યો અને કોલ પણ કર્યો પરંતુ સાહાએ તેનો જવાબ ન આપ્યો. આ પછી પત્રકારે સાહાને વોટ્સએપ પર ધમકી આપી હતી.
પત્રકારે શું આપી ધમકી?
જ્યારે સાહા તરફથી કોઈ જવાબ ન આવ્યો ત્યારે પત્રકારે તેને મેસેજ કર્યો અને લખ્યું, 'તે ફોન કર્યો નથી. હું ફરી ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં કરું. હું આવું અપમાન સહન નથી કરી શકતો. અને હું તને યાદ રાખીશ. તારે આવું નહોતું કરવું જોઈતું. રિદ્ધિમાનને મળેલી આ ધમકીના કેસમાં BCCIએ ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી, જેની તપાસ દરમિયાન રિદ્ધિમાને ધમકી આપનાર પત્રકારનું નામ કમિટીને જણાવ્યું હતું. જો કે, થોડા દિવસો પછી મજુમદાર પોતે આગળ આવ્યો હતો અને આ રહસ્ય ખુલ્યું હતું.