Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો. ત્રાપજ બાયપાસ નજીક રસ્તા પર બંધ પડેલ ટ્રક પાછળ ખાનગી બસ ઘુસી જતા છ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ખાનગી બસનો એક બાજુનો અડધો ભાગ જ કચ્ચરઘાણ થઈ ગયો. અકસ્માતમાં ત્રણ બાળકો, બે મહિલા, અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ સુરતથી રાજુલા જઈ રહી હતી.. એ સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે ભાવનગર કલેક્ટર આર.કે.મહેતા પણ સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માતના બનાવને લઈને ભાવનગર હાઈવે ટ્રાફિક પોલીસ, આરટીઓ વિભાગ તેમજ ખાણખનીજ વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.




















