IND Vs NZ: ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને કોણે કોણે સાથે લઇ જવાની બીસીસીઆઇએ આપી પરમીશન, જાણો વિગતે
ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ ત્રણ મહિનાથી પણ વધુ ચાલવાનો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની સાથે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓનો પરિવાર ઇંગ્લેન્ડમાં રહી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આ મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમશે. ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા બીસીસીઆઇએ ખેલાડીઓને મોટી રાહત આપી છે. ભારતીય ટીમના ખેલાડીઓ, કૉચિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફને ઇંગ્લેન્ડ પ્રવાસ પર પરિવારને સાથે લઇ જવાની મંજૂરી મળી ગઇ છે.
ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ ત્રણ મહિનાથી પણ વધુ ચાલવાનો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની સાથે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓનો પરિવાર ઇંગ્લેન્ડમાં રહી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતીય ખેલાડીઓને પરિવારને સાથે લઇ જવાની મંજૂરી મળી ગઇ છે. તે તેમની સાથે ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી રહેવા માંગે. આખા પ્રવાસ દરમિયાન રહેવા માંગતા હોય તો રહી શકશે.
ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં પણ થયુ હતુ આવુ.......
ભારતીય પુરુષ ટીમને ભારતીય મહિલા ટીમની સાથે ચાર્ટર પ્લેનમાં રવાના થવાનુ છે. મહિલા ખેલાડીઓ પર જોકે આ નિયમ લાગુ નહીં થાય. એવી સંભાવના છે કે મહિલા ટીમોને પરિવારની સાથે લઇ જવાની મંજૂરી નહી મળે કેમકે તેમનો પ્રવાસ સીમિત સમયનો છે.
પુરુષ ટીમને ત્યાં 100 દિવસથી વધુ રહેવાનુ છે, જ્યારે મહિલા ટીમનો પ્રવાસ મહિનાથી વધુનો રહેશે જેમાં એક ટેસ્ટ, ત્રણ વનડે, ત્રણ ટી20 રમવાની છે. ભારતીય ટીમ ત્રીજી જૂને લંડન પહોંચી જશે જ્યાંથી તે સાઉથેમ્પ્ટન જશે અને ત્યાં ક્વૉરન્ટાઇનમાં રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં પણ ખેલાડીઓને પરિવાર સાથે લઇ જવાની અનુમતિ મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી કેટલાક મહિના ઇન્ડિયન ક્રિકેટર્સ માટે ખુબ વ્યસ્ત રહેવાના છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ તરત જ યુએઇમાં આઇપીએલની 14મી સિઝનની ફરીથી શરૂઆત થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપ પણ રમાવવાનો છે.