FIFA WC 2022 Qatar: ઈરાને વેલ્સને ચોંકાવનારી હાર આપી શાનદાર જીત મેળવી
ઈરાને FIFA વર્લ્ડ કપ 2022 ની તેની બીજી મેચમાં કમાલ કરી છે. ઈરાને વેલ્સ સામે 2-0થી શાનદાર જીત મેળવી છે. નિયમિત સમય સુધી કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી.
FIFA WC 2022 : ઈરાને FIFA વર્લ્ડ કપ 2022 ની તેની બીજી મેચમાં કમાલ કરી છે. ઈરાને વેલ્સ સામે 2-0થી શાનદાર જીત મેળવી છે. નિયમિત સમય સુધી કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી, પરંતુ ઈરાને વધારાના સમયની છેલ્લી મિનિટોમાં બે ગોલ ફટકારીને આ મોટી જીત હાંસલ કરી હતી. ઈરાને પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી, જ્યારે વેલ્સને પ્રથમ મેચ જીત્યા બાદ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો
મેચની ત્રીજી મિનિટે વેલ્સ માટે નેકો વિલિયમ્સે બોક્સની બહારથી એક શાનદાર શોટ લીધો હતો, પરંતુ તે ગોલમાં પરિવર્તિત થઈ શક્યો નહોતો. ચાર મિનિટ બાદ ઈરાને પણ બદલો લીધો અને નિશાના પર શોટ કર્યો, પરંતુ વેલ્સના ગોલકીપરે તેને બચાવી લીધો. 12મી મિનિટે પણ વેલ્સના શાનદાર પ્રયાસને વિરોધી ટીમે બચાવી લીધો હતો. ઈરાને 15મી મિનિટે ગોલ કર્યો હતો, પરંતુ રેફરીએ VAR ની મદદથી ગોલને અવેધ ગણાવ્યો હતો કારણ કે અલી ઘોલીઝાદેહ ઓફ સાઈડ હતો.
29મી મિનિટે, વેલ્સના સૌથી મોટા સ્ટાર ગેરેથ બેલ પ્રથમ વખત એક્શનમાં જોવા મળ્યા હતા જ્યારે તેણે બોક્સની બહારથી શાનદાર શોટ લીધો હતો, પરંતુ તેને ઈરાને બચાવી લીધો હતો. પ્રથમ હાફના અંતે, ઈરાને સતત આક્રમણ ચાલુ રાખ્યું અને અનેક તકે ગોલની નજીક આવી, પરંતુ અંતિમ ત્રીજામાં તે સફળ થઈ શક્યું નહીં.
ઇરાને વધારાના સમયમાં ગોલ સાથે જીત મેળવી હતી
બીજા હાફની છઠ્ઠી મિનિટે સરદાર અઝમુને ઈરાન માટે જોરદાર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ ગોલપોસ્ટ પર અથડાયા બાદ બહાર જતો રહ્યો હતો. રિબાઉન્ડ પર કરવામાં આવેલો પ્રયાસ પણ ગોલપોસ્ટ સાથે અથડાયો હતો. પછીની 10 મિનિટમાં ઈરાને વેલ્સ પર દબાવ બનાવવાનું ચાલુ રાખ્યું અને ઘણી વખત તેમના ડિફેન્સની પરીક્ષા લીધી. 86મી મિનિટમાં, ઈરાને એક ઉત્તમ કાઉન્ટર એટેક કર્યો, જેને રોકવા માટે વેલ્સના ગોલકીપર વેઈન હેનેસી બોક્સની બહાર આવ્યો અને ફાઉલને કારણે તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું. આ પછી વેલ્શને 10 ખેલાડીઓ સાથે રમવુ પડ્યું.
વધારાના સમયની છેલ્લી મિનિટોમાં, રૂઝબેહ ચેશ્મીએ શાનદાર ગોલ કરીને ઈરાનને 1-0ની લીડ અપાવી હતી જે તેમના માટે જીતનો રસ્તો ખોલવા જઈ રહી હતી. આના થોડા સમય બાદ રમિન રજેને જોરદાર સ્કિલ બતાવીને વેલ્સના ગોલકીપરને અને ઈરાનની 2-0ની લીડ લઈ ઈરાનની જીત સુનિશ્ચિત કરી હતી.