(Source: ECI/ABP News/ABP Majha)
Sunil Chhetri Retirement: 20 સાલ બેમિસાલ, ફૂટબોલના દિગ્ગજ સુનીલ છેત્રીની નિવૃતિ, ભારત-કુવૈત મેચ ડ્રો
ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચમાં ભારત અને કુવૈત વચ્ચેની મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
Sunil Chhetri Retirement: ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચમાં ભારત અને કુવૈત વચ્ચેની મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાઈ હતી અને ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની કારકિર્દીની આ છેલ્લી મેચ હતી. અંતિમ-18 સ્ટેજમાં જવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી હતી. ભારત હજુ આગળના તબક્કામાં જઈ શકે છે, પરંતુ તેણે અન્ય મેચો પર નિર્ભર રહેવું પડશે. મેચ ખતમ થયા બાદ અન્ય ખેલાડીઓએ છેત્રીનું સન્માન કર્યું, પરંતુ આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયો. ભારતને પહેલા અને બીજા હાફમાં ગોલ કરવાની ઘણી તકો મળી હતી, પરંતુ ભારત એક પણ તકનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું. ભારતની આગામી મેચ 11 જૂને કતાર સામે થશે.
ભારતીય કેપ્ટન નિયમિતપણે કુવૈતના ડિફેન્સને ભેદવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તેના તમામ પ્રયાસો છેલ્લી ઘડી સુધી નિષ્ફળ સાબિત થયા હતા. મેચ ડ્રો થવાનું એક મોટું કારણ એ હતું કે ભારતીય ટીમનું ડિફેન્સ ઘણી વખત નબળું દેખાતું હતું, જેના કારણે કુવૈત ઘણી વખત ગોલ કરવાની ખૂબ નજીક આવી હતી. એટેકિંગ વિભાગમાં ભારતીય ટીમ ફરી એકવાર સુનીલ છેત્રી પર નિર્ભર જોવા મળી હતી. ખેર, મેચ પુરી થયા પછી સોલ્ટ લેક સ્ટેડિયમમાં લગભગ 58,000 લોકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું.
સાથી ખેલાડીઓ પાસેથી ગાર્ડ ઓફ ઓનર મેળવ્યું
જો કે કુવૈત સાથેની ભારતની મેચ ડ્રો રહી હતી, પરંતુ આ પછી બધાની નજર સુનીલ છેત્રી પર હતી. તેને સમગ્ર ભારતીય ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ ક્ષણે તેને ભાવુક બનાવી દીધો હતો. સુનીલ પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો અને પોતાની જર્સી વડે આંસુ લૂછતો જોવા મળ્યો.
કારકિર્દીમાં 94 ગોલ કર્યા
સુનીલ છેત્રીએ તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીમાં 151 મેચ રમી હતી, જેમાં તેણે 94 ગોલ કર્યા હતા. સુનીલ એવો ખેલાડી પણ હતો જેણે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ 4 હેટ્રિક ફટકારી હતી. છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વિશ્વનો ચોથો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતો. આ યાદીમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128), ઈરાનના અલી ડાઈ (108) અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી (106) તેનાથી ઉપર છે.