India vs China Asia Cup 2025: કેપ્ટન હરમનપ્રીત સિંહની હેટ્રીક, એશિયા કપ હૉકીમાં ભારતે ચીનને 4-3થી હરાવ્યું
India vs China Asia Cup 2025: બિહારના રાજગીરમાં રમાયેલી મેચમાં ભારતે ચીનને 4-3 થી હરાવ્યું હતું. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.

India vs China Asia Cup 2025: ભારતીય હૉકી ટીમે એશિયા કપ 2025માં જીત સાથે શરૂઆત કરી છે. 29 ઓગસ્ટ (શુક્રવાર) ના રોજ બિહારના રાજગીરમાં રમાયેલી મેચમાં ભારતે ચીનને 4-3 થી હરાવ્યું હતું. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ (20મી મિનિટ, 33મી મિનિટ અને 47મી મિનિટ) કર્યા હતા. જ્યારે જુગરાજ સિંહે એક ગોલ (18મી મિનિટ) કર્યો હતો. ચીન તરફથી ડુ શિંહાઓ (12મી મિનિટ), ચેન બેનહાઈ (35મી મિનિટ) અને ગાઓ જિશેંગ (41મી મિનિટ) ગોલ કરવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમ હવે 31 ઓગસ્ટના રોજ તેના આગામી મેચમાં જાપાનનો સામનો કરશે.
𝗪𝗜𝗡 to begin! 🙌
— Hockey India (@TheHockeyIndia) August 29, 2025
India beat China in a closely contested match at the Hero Asia Cup, Rajgir, Bihar, 2025.
🇮🇳 4-3 🇨🇳#HockeyIndia #IndiaKaGame #HumSeHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/tEJbdlBUTT
મેચના પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ચીન પર પ્રભુત્વ મેળવ્યું પરંતુ તેઓ કોઈ ગોલ કરી શક્યા નહીં. બીજી તરફ ડુ શિંહાઓએ મેચની 12મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ચીની ટીમને 1-0 ની લીડ અપાવી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટમાં જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતીય ટીમને ડ્રો પર લાવી દીધી હતી. આ જ ક્વાર્ટરની પાંચમી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પણ ગોલ કર્યો, જેના કારણે ભારતે 2-1ની લીડ મેળવી લીધી. હાફ ટાઈમ સુધી સ્કોર સમાન રહ્યો હતો.
આ પછી ત્રીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને 3-1ની લીડ અપાવી હતી. જોકે, થોડીવાર પછી ચેન બેનહાઈએ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 3-2 કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરની 11મી મિનિટે ગાઓ જિશેંગે ગોલ કરીને સ્કોર 3-3 કર્યો હતો. ત્યારબાદ ચોથા અને છેલ્લા ક્વાર્ટરની બીજી મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને 4-3ની નિર્ણાયક લીડ અપાવી હતી.
ભારતે કેટલી વાર એશિયા કપ જીત્યો છે?
આ એશિયા કપ હોકી ટુર્નામેન્ટની 12મી સીઝન છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ વખત એશિયા કપ હોકી ટુર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમે 2003, 2007 અને 2017માં ટાઇટલ જીત્યું હતું. પાકિસ્તાની ટીમ ત્રણ વખત (1982, 1985, 1989) એશિયા કપની વિજેતા પણ રહી છે. દક્ષિણ કોરિયાએ સૌથી વધુ પાંચ વખત (1994, 1999, 2009, 2013, 2022). એશિયા કપ જીત્યો છે.
ભારતને ચીન, કઝાકિસ્તાન અને જાપાન સાથે પુલ-એમાં રાખવામાં આવ્યું છે. જ્યારે પુલ- B માં દક્ષિણ કોરિયા, મલેશિયા, બાંગ્લાદેશ અને ચીની તાઈપેઈની ટીમો છે. કઝાકિસ્તાનની ટીમ ત્રણ દાયકામાં પહેલીવાર એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. બીજી તરફ, બાંગ્લાદેશે પાકિસ્તાનનું સ્થાન લીધું છે. પાકિસ્તાની ટીમે સુરક્ષા કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી.





















