IND vs PAK : ભારત-પાકિસ્તાનની મેચ અદ્ધરતાલ, પાકિસ્તાને બદલવો પડી શકે છે પ્લાન
બંને ટીમના ચાહકોની નજર મેચ પર ટકેલી છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન એશિયાકપમાં ટકરાશે.
India vs Pakistan: ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પર દુનિયા આખીની નજર હોય છે. જ્યારે પણ ટીમો જ્યારે પણ આમને-સામને હોય છે ત્યારે ચાહકોનો ઉત્સાહ જોવા જેવો હોય છે. વાત જીત અને હારથી પણ ક્યાંય આગળ વધી જાય છે. પછી વાત ક્રિકેટની હોય કે બીજી કોઈ રમતની. બંને ટીમના ચાહકોની નજર મેચ પર ટકેલી છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન એશિયાકપમાં ટકરાશે. આ પછી ક્રિકેટ વર્લ્ડકપમાં પણ બંને ટીમો આમને-સામને થશે. આ ટૂર્નામેન્ટ પહેલા જ વધુ એક ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવ્યા છે. જોકે, આ મેચ ક્રિકેટ સાથે નહીં પરંતુ ફૂટબોલ સાથે સંબંધિત છે.
ભારતમાં 21 જૂનથી દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપનું આયોજન થવાનું છે. આ ચેમ્પિયનશિપ 4 જુલાઈ સુધી ચાલશે અને મેચો બેંગ્લોરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યજમાન ભારત ગ્રુપ-એમાં છે. તેની સાથે પાકિસ્તાન, કુવૈત અને નેપાળ પણ આ ગ્રુપમાં છે. જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, ભૂટાન, લેબનોન અને માલદીવ છે. પરંતુ, પાકિસ્તાનની ફૂટબોલ ટીમને અત્યાર સુધી આ ટુર્નામેન્ટ માટે ભારતના વિઝા મળી શક્યા નથી. પાકિસ્તાનની ટીમ હાલ મોરેશિયસમાં છે. તેને ત્યાંથી બેંગ્લોર જવા રવાના થશે. પરંતુ, મોરેશિયસમાં ભારતીય હાઈ કમિશને હજુ સુધી પાકિસ્તાની ટીમને વિઝા આપ્યા નથી.
InsideSportના અહેવાલ મુજબ, મોરેશિયસમાં ભારતીય હાઈ કમિશને પાકિસ્તાન ફૂટબોલ ટીમને જાણ કરી છે કે, તેઓ આગામી થોડા દિવસો માટે ભારતનો પ્રવાસ સ્થગિત કરે. ભારતીય હાઈ કમિશન વ્યક્તિગત રીતે વિઝા અરજીની તપાસ કરશે અને પછી તેને તેના આધારે મંજૂર કરવામાં આવશે, જેમાં સમય લાગી શકે છે.
પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશને ભારતમાં યોજાનારી SAFF ચેમ્પિયનશિપ-2023માં ભાગ લેવા માટે તેના આંતર પ્રાંતીય સંકલન મંત્રાલય પાસેથી પહેલેથી જ NOC મેળવી લીધું હતું. પાકિસ્તાની ટીમ 18 જૂને મોરેશિયસથી ભારત આવવાની હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 જૂનના રોજ કાંતિરવા સ્ટેડિયમમાં મેચ રમાવાની છે.
ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશને NOC માટે વિનંતી કરી હતી. NOC જારી કરવામાં વિલંબ અંગે ફેડરેશને ટ્વીટ પણ કર્યું હતું. જોકે, ફરિયાદ બાદ મામલો ઉકેલાયો હતો. પરંતુ હજુ પણ ખેલાડીઓને વિઝા મળ્યા નથી.