Ind vs Pak, Hockey Asia Cup: છેલ્લી ક્ષણે પાકિસ્તાને ગોલ કરી ભારતની બરાબરી કરી, ભારત જીત ચુક્યું
એશિયા કપ પુરુષ હોકી ટૂર્નામેન્ટમાં પૂલ Aની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.
Ind vs Pak, Hockey Asia Cup: એશિયા કપ પુરુષ હોકી ટૂર્નામેન્ટમાં પૂલ Aની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગયા વખતે ચેમ્પિયન રહેલી ભારતની ટીમે છેલ્લી ઘડીએ ગોલ ગુમાવ્યો હતો અને મેચ 1-1થી ડ્રો થઈ હતી. ભારતે નવમી મિનિટે કાર્તિ સેલ્વમના ગોલની મદદથી લીડ મેળવી હતી પરંતુ પાકિસ્તાનના ખેલાડી અબ્દુલ રાણાએ 59મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને પાકિસ્તાને ભારતની બરાબરી કરી હતી. હવે ભારતનો મુકાબલો મંગળવારે જાપાન સાથે થશે.
પાકિસ્તાનને ત્રીજી મિનિટે પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ તેઓ ગોલ કરી શક્યા નહીં. થોડી સેકન્ડો બાદ ભારતે પણ જવાબી હુમલામાં પેનલ્ટી કોર્નર બનાવ્યો હતો પરંતુ નીલમ સંજીપ સેસનો શોટ પાકિસ્તાની ગોલકીપર અકમલ હુસૈને બચાવી લીધો હતો. ભારતે પાકિસ્તાની ડિફેન્સ પર સતત દબાણ જાળવી રાખ્યું અને પહેલા ક્વાર્ટરમાં વધુ બે પેનલ્ટી કોર્નર બનાવ્યા હતા. કાર્તિએ નવમી મિનિટે પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો.
આ દરમિયાન પાકિસ્તાનને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેને સફળતા મળી ન હતી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં, પાકિસ્તાની ગોલકીપર હુસૈને શાનદાર બચાવ કરીને પવન રાજભરને ગોલ ન કરવા દીધો. ભારતને 21મી મિનિટે મળેલો પેનલ્ટી કોર્નર એળે ગયો હતો.
હાફ ટાઈમના બે મિનિટ પહેલાં પાકિસ્તાનને બરાબરી કરવાનો મોકો મળ્યો હતો પરંતુ ફરી એકવાર તેનો પેનલ્ટી કોર્નર બરબાદ થઈ ગયો હતો. બીજા હાફમાં પાકિસ્તાને આક્રમક હોકી રમી અને ત્રીજો પેનલ્ટી કોર્નર બનાવ્યો પરંતુ રિઝવાન અલીનો શોટ બહાર નિકળી ગયો હતો.
થોડીવાર પછી, ભારતીય ગોલકીપર સૂરજ કારકેરાએ અબ્દુલ રાણાના ક્લોઝ શોટને બચાવ્યો અને અફરાઝને પણ રિબાઉન્ડ પર ગોલ કરવા દીધો નહોતો. રાજભર અને ઉત્તમ સિંહે ભારત માટે પણ તકો ઉભી કરી હતી પરંતુ પાકિસ્તાની ગોલકીપર હુસૈન ખૂબ જ તૈયાર હતો અને તેણે ગોલ થતા અટકાવ્યા હતા.
અંતિમ ક્ષણોમાં ભારતીય ડિફેન્સને એકાગ્રતા ભંગનો માર સહન કરવો પડ્યો અને પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળી ગયો હતો. યશદીપ સિવાચે ગોલ લાઇન પર બચાવ કર્યો હતો પરંતુ રાણાએ રિબાઉન્ડ પર ગોલ કરીને પાકિસ્તાને પહેલો ગોલ કરવામાં સફળતા અપાવી હતી. આ સાથે પાકિસ્તાને ભારતની બરાબરી કરી લીધી હતી. આમ ભારત અને પાકિસ્તાનની મેચ ડ્રો રહી હતી. દિવસની અન્ય મેચોમાં, મલેશિયાએ ઓમાનને 7. 0 થી હરાવ્યું, કોરિયાએ બાંગ્લાદેશને 6 . 1 થી હરાવ્યું. અને જાપાને ઇન્ડોનેશિયાને 9. 0 થી હરાવ્યું હતું.