IPLની બાકીની મેચો હવે ક્યારે રમાશે? જાણો IPL ચેરમેન રાજીવ શુકલાએ શું કહ્યું?
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી. તેને ટાળવામાં આવી છે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર (Covid-19) જોવા મળી રહ્યો છે ત્યારે હવે ક્રિકેટ ખાસ કરીને આઈપીએલના (IPL 2021) ખેલાડીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. જેના કારણે આઈપીએલની આ સીઝન સસ્પેન્ડ (IPL 2021 Suspended) કરવામાં આવી છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ (BCCI Vice President) રાજીવ શુક્લાએ (Rajeev Shukla) એએનઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલની બાકીની મેચો સસ્પેન્ડ કરવામાં આવી છે. આઇપીએલની સિઝન (IPL 14 Edition) સસ્પેન્ડ થયા બાદ ક્રિકેટ ફેન્સને હવે સવાલ થઇ રહ્યો છે કે, આ સિઝનની બાકી બચેલી મેચો હવે ક્યારે રમાશે? જોકે આ વાતનો પણ રાજીવ શુક્લાએ જવાબ આપ્યો છે. 9મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે જેનો જવાબ બીસીસીઆઈના (BCCI) ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ (Rajeev Shukla) આપ્યો છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી. તેને ટાળવામાં આવી છે. આઈપીએલ-14ની બાકીની મેચ રમાશે. યોગ્ય સમયે, જ્યારે કોવિડની સ્થિતિમાં સુધારો આવશે, તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.'
તેમના કહેવા પ્રમાણે સસ્પેન્શનનું સૂચન કરતો રિપોર્ટ માત્ર 5 દિવસ કે એક સપ્તાહ માટેનો છે એ વાત પણ સાચી નથી. 5 દિવસ કે 1 સપ્તાહ બાદ ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તેવી અટકળો થઈ રહી છે તે પણ સંભવ નથી. ઉલ્લેખનીય છે કે, કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ ખેલાડીઓ પોઝિટિવ આવતા મેચ બંધ રાખવામાં આવી હતી ત્યારે હવે રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રા કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી મળી છે.
લીગના ચેરમેન બ્રજેશ પટેલે કહ્યું, ‘ટૂર્નામેન્ટને અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. અમે આગળના ઉપલબ્ધ સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ મહિને તો એવી કોઈ જ સંભાવના નથી.’ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિદેશ સહિત તમામ ખેલાડી બબલમાં જ રહેશે. તે ઘર નહીં જાય. બીસીસીઆઈ એ જાણવા માગે છે કે કોરોનાથી બચાવની સાથે શું ખેલાડીઓને 2-3 જૂન સુધી બાયો બબલમાં રાખી શકાય છે કે નહીં. તેના માટે તમને એક સપ્તાહ અથા તેનાથી વધારે સમય લાગશે. એટલે ત્યાં સુધી આ સીઝન સસ્પેન્ડ જ છે.
નોંધનીય છે કે, સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાનાર મેચ રદ્દ કરવામાં આવી હતી. જાણકારી અનુસાર કોલોકાતાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આઈપીએલની 14મી સીઝનની 30મી મેચ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાવાની હતી. આ મેચ સાંજે 7-30 કલાકથી રમાવાની હતી.
કોરોનાના કહેરની વચ્ચે બીસીસીઆઈએ મજબૂત બાયો બબલ રહેવાનું કહ્યું હતુ, ત્યાર બાદ અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. ચેન્નઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ ગઈ છે. પરંતુ અમદાવાદમાં હાલમાં મેચ રદ્દ કરવામાં આવી છે.
હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈપીએલના સીઓઓ હેમાંગ અમીને કહ્યું હતું કે, પહેલા ખેલાડીઓ ટૂર્નામેન્ટ પહેલા કેટલીક હોટલમાંથી ખાવાનું મગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે આ સુવિધા પરત લેવામાં આવી છે.
IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.