Digvesh: લખનઉના આ બોલરની હરકતથી BCCI નારાજ, ફટકાર્યો ભારે દંડ
બોલરની હરકતો અમ્પાયરોએ ધ્યાનમાં લીધી અને તેની સાથે વાત કરી હતી

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની 13મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીની હરકત ચર્ચામાં રહી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ 25 વર્ષીય ક્રિકેટરને ભારે દંડ ફટકાર્યો હતો.
વાસ્તવમાં પંજાબ કિંગ્સ (PBKS) ના બેટ્સમેન પ્રિયાંશ આર્યને આઉટ કર્યા પછી બોલર દિગ્વેશે જે રીતે ઉજવણી કરી તેના પર પ્રશ્નો ઉભા થયા હતા. તેણે ‘પત્ર લખવા’ની સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. જે બદલ તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
બીસીસીઆઇએ મંગળવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ અને પંજાબ વચ્ચેની મેચ દરમિયાન 'IPL આચારસંહિતાનું ઉલ્લંઘન' કરવા બદલ દિગ્વેશ સિંહ રાઠીને દંડ ફટકાર્યો હતો. પંજાબે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
IPLએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'દિગ્વેશ સિંહે કલમ 2.5 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે અને મેચ રેફરીની સજા પણ સ્વીકારી છે.' 'દિગ્વેશ સિંહે આ વિવાદાસ્પદ ઉજવણી પંજાબ કિંગ્સની ઇનિંગની 3 ઓવર દરમિયાન કરી હતી. દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કરીને આ ઉજવણી કરી હતી.
બોલરની હરકતો અમ્પાયરોએ ધ્યાનમાં લીધી અને તેની સાથે વાત કરી હતી કારણ કે તેની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કેસરિક વિલિયમ્સ સાથે થઈ રહી હતી. તેમણે આઉટ થયા પછી 'નોટબુક' ઉજવણીને લોકપ્રિય બનાવી હતી જેમાં 2019ની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન વિરાટ કોહલી સામેની લડાઇ પણ જાણીતી છે.
દિગ્વેશ સિંહ રાઠી કોણ છે?
લેગ-સ્પિનર દિગ્વેશ રાઠીએ 2024 દિલ્હી પ્રીમિયર લીગમાં રનર્સ-અપ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. દિગ્વેશને IPL 2025 પહેલા મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. થોડા સમય પછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં દિલ્હી માટે T20 ડેબ્યૂ કર્યું, બે મેચમાં ત્રણ વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. લખનઉને તેના જ હોમગ્રાઉન્ડ પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચાલુ સિઝનમાં પંજાબની આ સતત બીજી જીત છે, જ્યારે લખનઉને ટૂર્નામેન્ટની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એલએસજીએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17મી ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.



















