(Source: ECI/ABP News/ABP Majha)
Cricket : તો IPL ફાઈનલનું પરિણામ કંઈક જુદુ આવી શક્યું હોત, BCCIનો 'દેશી જુગાડ' કારણભૂત?
રિઝર્વ-ડેમાં વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા, પરંતુ CSKની ઇનિંગ્સમાં ત્રણ બોલ બાકી રહેતાં વરસાદ પડ્યો હતો.
How to Pitch The Cover : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે જીત મેળવી હતી. CSKએ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ અગાઉ 28 મેના રોજ રમાવાની હતી, પરંતુ વરસાદના કારણે તેને રિઝર્વ-ડેમાં લઈ જવી પડી હતી.
રિઝર્વ-ડેમાં વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા, પરંતુ CSKની ઇનિંગ્સમાં ત્રણ બોલ બાકી રહેતાં વરસાદ પડ્યો હતો. બાદમાં લાંબી રાહ જોયા બાદ રમત શરૂ થઈ. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને 15 ઓવરમાં 171 રનનો સુધારેલ ટાર્ગેટ મળ્યો હતો.
પરંતુ જો જોવામાં આવે તો મુશળધાર વરસાદ દરમિયાન મેદાનને યોગ્ય રીતે કવર કરી શકાયું ન હતું, જેના કારણે પ્રેક્ટિસ પીચ પર ઘણું પાણી એકઠું થયું ગયું હતું. અગાઉ ગ્રાઉન્ડ સ્ટાફ પીચમાંથી પાણીને સૂકવવા માટે મોટા સ્પોન્જનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. બાદમાં તેઓ પીચ પર લાકડાના ભૂંસા એટલે કે લાકડાના વેરનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેના પર સુપર સોપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ મળીને દુનિયાના સૌથી ધનીક બોર્ડે ક્રિકેટની સૌથી હાઈપ્રોફાઈલ લીગમાં પણ પીચ સુકવવા માટે દેશી જુગાડ જ અપનાવ્યો હતો.
બીસીસીઆઈએ ઈસીબી પાસેથી શીખવું જોઈએ...
જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને યોગ્ય રીતે કવર કરવામાં આવ્યું હોત તો કદાચ ફાઈનલ મેચમાં આટલો સમય વેડફાયો ના હોત. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પિચ કવરિંગના સંદર્ભમાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પાસેથી પાઠ લઈ શકે છે. યુકેમાં મોટાભાગના મેદાનો પર પિચને આવરી લેવા માટે હોવર કવરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કવર પિચ અને આખા સ્ક્વેયરને માત્ર ત્રણ જ મિનિટમાં ઢાંકી દે છે. 'હોવર કવર'ની શોધ સ્ટુઅર્ટ કેનવાસ દ્વારા વર્ષ 1998માં કરવામાં આવી હતી અને તે જ વર્ષે 'ક્રિકેટના મક્કા' એવા લોર્ડ્સમાં પ્રથમ વખત તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
પરંપરાગત પિચ કવર કરતાં હોવર કવરના ઘણા ફાયદા છે. હોવર કવર વરસાદ શરૂ થયાની 3 મિનિટની અંદરમાં જ આખી પિચને આવરી લે છે. જ્યારે સામાન્ય ક્રિકેટ કવર પિચને સંપૂર્ણપણે કવર કરવામાં 10 મિનિટ જેટલો સમય લઈ શકે છે. હોવર કવર સાથે એક મોટર જોડાયેલી હોય છે. તેથી પીચને ઢાંકવા માટે ખુબ જ ઓછા લોકોની જરૂરી પડે છે. એકંદરે, હોવર કવર પિચોને આવરી લેવા માટે આદર્શ ગણાય છે.
પરંતુ દુનિયાના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ શા માટે આ ટેક્નોલોજી વસાવતી નથી અને આધુનિક જમાનામાં પણ દેશી જુગાડથી જ કામ ચલાવી રહી છે તે સમજાતું નથી. ક્રિકેટના બદલાતા ફોર્મેટ સાથે સમયની માંગ છે કે પીચને ઢાંકવા માટે 'હોવર કવર'નો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને વરસાદ પડવાના સંજોગોમાં રમતને નુકશાન પહોંચતુ બચાવી શકાય.