(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: ફિનિશર ધોનીએ ચેન્નાઈને રોમાંચક રીતે સીઝનની બીજી જીત અપાવી, મુંબઈની સતત 7મી હાર, વાંચો મેચની હાઈલાઈટ્સ
IPL 2022, MI vs CSK: આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં આ મુંબઈની સતત 7મી હાર હતી. રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું હતું.
MI vs CSK, Match Highlights: આજે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં આ મુંબઈની સતત 7મી હાર હતી. રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈએ 156 રનનો ટાર્ગેટ 7 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ પહેલા મુંબઈએ 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા.
ચેન્નાઈના બેટ્સમેનોએ નિરાશ કર્યાઃ
156ના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ ખાતુ ખોલાવ્યા વગર જ પરત ફર્યો હતો. તેને સેમસે આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ સેન્ટનરે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.
શરુઆતમાં જ 2 વિકેટ પડી ગયા બાદ ઉથપ્પા અને રાયડુએ ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન બંનેએ 50 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ટીમને પરીણામ તરફ લઈ જાય તે પહેલાં જયદેવ ઉનડકટે તોડી નાખી હતી. ઉનડકટે ઉથપ્પાને 25 રન પર આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ દુબે પણ ખાસ કરી શક્યો ન હતો અને 13 રન બનાવીને આઉટ થયો હતો. રાયડુ પણ આજે વધારે રન નહોતો બનાવી શક્યો અને 40 રન બનાવીને આઉટ થયો હતો.
તેના આઉટ થયા બાદ તમામ જવાબદારી ધોની અને જાડેજા પર આવી ગઈ હતી. જો કે, જાડેજા પણ આ દબાણમાં વધુ રન ના કરી શક્યો અને માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ડ્વેન પ્રિટોરિયસ અને ધોનીએ ચેન્નાઈનો સ્કોર આગળ વધાર્યો હતો. પ્રિટોરિયસ 22 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ધોનીએ બાજી સંભાળી અને ટીમને રોમાંચક જીત અપાવી. ધોનીએ 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને આ સિઝનની બીજી જીત અપાવી હતી.
તિલક વર્માએ શાનદાર ઇનિંગ રમીઃ
DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે IPL 2022ની 33મી મેચમાં ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈના સ્ટાર બેટ્સમેન તિલક વર્મા (51 અણનમ) અને સૂર્યકુમાર યાદવ (32)ની શાનદાર બેટિંગને કારણે મુંબઈએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ બે વિકેટ લીધી હતી જ્યારે મહેશ થિકશન અને મિશેલ સેન્ટનરને એક-એક વિકેટ ઝડપી હતી.