IPL 2022: પ્લેઓફમાં વરસાદ થયો તો કઈ રીતે આવશે મેચનું પરિણામ, ફાઈનલ માટે નથી રિઝર્વ દિવસ, જાણો નિયમ
IPLની 15મી સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. લીગની પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મે એટલે કે આવતીકાલે રમાશે.
IPL 2022 Playoffs: IPLની 15મી સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. લીગની પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મે એટલે કે આવતીકાલે રમાશે. જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. બીસીસીઆઈએ ઘણા સમય પહેલા પ્લેઓફ મેચ માટે સ્થળની જાહેરાત કરી દીધી હતી. આ મેચો કોલકાતા અને અમદાવાદમાં રમાશે. ત્યારે હવે બીસીસીઆઈએ કહ્યું છે કે, જો વરસાદને કારણે મેચનું પરિણામ નહીં આવે તો વિજેતા ટીમનો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે અને આ સ્થિતિમાં IPLનો વિજેતા કેવી રીતે નક્કી થશે.
આ રીતે નિર્ણય લેવાશેઃ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આઈપીએલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, જો પ્લે-ઓફ મેચ દરમિયાન વરસાદના કારણે મેચ નહીં રમાય તો સુપર ઓવરની મદદથી ફાઈનલ કે વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. આ નિયમ પ્લેઓફના ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 માટે લાગુ થશે કારણ કે, BCCIએ આ માટે કોઈ અનામત દિવસ રાખ્યો નથી. જો આ મેચોમાં સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો ફાઈનલનો નિર્ણય પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવશે.
જો આઈપીએલની માર્ગદર્શિકા જોઈએ તો તે પ્રમાણે, પ્લેઓફમાં પ્લેઓફ મેચ ઓછામાં ઓછી 5 ઓવરની હોવી જોઈએ. આ સિવાય જો એવી પરિસ્થિતિ સર્જાય તો સુપરઓવરની મદદ પણ લઈ શકાય છે. જો મેચનું પરિણામ સુપર ઓવરમાં ન આવે, તો 70-મેચની સિઝન પછી પોઈન્ટ ટેબલમાં જે ટીમ સારી સ્થિતિમાં હશે તેને સંબંધિત પ્લે-ઓફ મેચ અથવા ફાઈનલની વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે.
આ સિવાય 29 મેના રોજ ફાઇનલ મેચમાં પણ જો એક બોલ પણ ફેંકવામાં આવશે એટલે કે મેચ શરુ થશે તો બીજા દિવસે ત્યાંથી મેચ શરૂ થશે. જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો તેનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે. આ સિવાય, જો એક ઓવર શક્ય ન હોય, તો તે કિસ્સામાં પોઇન્ટ ટેબલના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.