IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં ખરીદ્યો 'દર્દી'? રોહિતની વાત સાંભળી ચાહકો લાલઘુમ
હવે વિચારો કે જે ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા તે જો બહાર બેઠો રહેશે તો ટીમ કેવી રીતે જીતશે?
Rohit Sharma Mumbai Indians : આઈપીએલમાં મોંઘા દાટ ભાવે ખરીદવામાં આવેલા કેટલાક ખેલાડીઓ સફેદ હાથી સમાન સાબિત થાય છે. કંઈક આવું જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે થઈ રહ્યું છે. જેને લઈને ચાહકો બરાબરની મજા પણ લઈ રહ્યાં છે અને રોષે પણ ભરાયા છે.
વાત એમ છે કે, ઈંગ્લેન્ડના ઝંઝાવાતી બોલર જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડની મોટી કિંમતે ખરીદ્યો હતો. મુંબઈએ આ રકમ એટલા માટે ખર્ચી હતી કારણ કે તેઓ જોફ્રા આર્ચરની ક્ષમતા જાણતા હતા. પરંતુ આ ખેલાડી હવે આ ટીમ માટે બોજ બની રહ્યો છે. જોફ્રા આર્ચરની નબળી ફિટનેસ મુંબઈ માટે સમસ્યા બની ગઈ છે અને આ ખેલાડી આ સિઝનમાં મેદાન કરતાં વધુ બેન્ચ પર બેઠો જોવા મળે છે. ગુજરાત સામેની મેચમાં પણ આવું જ થયું અને તે પછી ફેન્સ આ બોલર પર ગુસ્સે થયા છે.
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરતા રોહિત શર્માએ કહ્યું હતું કે, જોફ્રા આર્ચર રમી રહ્યો નથી. રોહિતના મતે જોફ્રા આર્ચર સંપૂર્ણ રીતે ફિટ નથી. તેની જગ્યાએ રિલે મેરેડિથને તક મળી. બહાર બેઠેલા આર્ચરે સોશિયલ મીડિયા પર ચાહકોને ગુસ્સે કર્યા હતા અને તેઓએ અહીં સુધી કહ્યું હતું કે, મુંબઈએ 8 કરોડમાં દર્દી ખરીદ્યો હોય તેવું લાગે છે.
આર્ચર માત્ર 2 મેચ રમ્યો
જોફ્રા આર્ચર આ આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી માત્ર બે જ મેચ રમ્યો છે. જ્યારે મુંબઈએ 7 મેચ રમી છે. મતલબ કે આર્ચર પાંચ મેચમાં બહાર બેઠો જ છે. હવે વિચારો કે જે ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા તે જો બહાર બેઠો રહેશે તો ટીમ કેવી રીતે જીતશે?
જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે IPL 2022ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે જોફ્રા આર્ચરને ખરીદ્યો હતો. જ્યારે તે જાણતી હતી કે જોફ્રા આર્ચર તે સિઝનમાં રમશે નહીં. આમ છતાં આર્ચરને પૈસા આપવામાં આવ્યા. મુંબઈને આશા હતી કે, આર્ચર આઈપીએલ 2023માં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે પરંતુ એવું થયું નહીં.
આર્ચરનું પ્રદર્શન પણ સરેરાશ
ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં આર્ચર બે મેચ રમ્યો છે અને બંનેમાં તેનું પ્રદર્શન દયનીય રહ્યું છે. આર્ચરે 2 મેચમાં એક વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 9.37 રન છે. આર્ચરની બોલિંગમાં તે ધાર દેખાતી નથી જેના માટે તે જાણીતો છે. શક્ય છે કે આ બધું ખરાબ ફિટનેસના કારણે થતું હોય એવું લાગે.