૧૮ વર્ષનું સ્વપ્ન સાકાર: 'ઈ સાલા કપ નામદે' સાચું પડ્યું, RCB IPL ૨૦૨૫ ચેમ્પિયન બન્યું!
ફાઇનલમાં પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇતિહાસ રચ્યો, પહેલીવાર અમદાવાદમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી.

RCB vs PBKS final IPL 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025 ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પંજાબ કિંગ્સને (PBKS) ૬ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. IPL ના ૧૮ વર્ષના ઇતિહાસમાં RCB પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. ખાસ વાત એ છે કે, અમદાવાદમાં IPL ફાઇનલ રમાઈ હોય અને પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી હોય તેવું આ પહેલીવાર બન્યું છે. RCB એ પ્રથમ બેટિંગ કરતા ૧૯૦ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારિત ઓવરોમાં ૧૮૪ રન જ બનાવી શકી.
પંજાબનો લક્ષ્યનો પીછો: શરૂઆત સારી પણ પછી ધબડકો
૧૯૧ રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ માટે બે અનકેપ્ડ ખેલાડીઓ, પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે, ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ ટીમને ઝડપી શરૂઆત અપાવી, પરંતુ ૨૪ રન બનાવીને પ્રિયાંશ આર્ય આઉટ થયો. RCB ના ફિલ્ડર ફિલ સોલ્ટે એક અવિશ્વસનીય કેચ પકડીને પ્રિયાંશને પેવેલિયન ભેગો કર્યો. પંજાબનો સ્કોર એક વિકેટે ૭૨ રન હતો ત્યારે બધું બરાબર લાગી રહ્યું હતું, પરંતુ ત્યાર પછીની ૨૬ રનમાં જ પંજાબે ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
કેપ્ટનનો ફ્લોપ શો અને મધ્યક્રમની નિષ્ફળતા
આ મહત્ત્વપૂર્ણ મેચમાં, પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર પણ માત્ર ૧ રન બનાવીને આઉટ થયો. ટૂંક સમયમાં જ પંજાબે ૯૮ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારવાનો પ્રયાસ કર્યો અને ૩૮ રનની ભાગીદારી નોંધાવી, પરંતુ એકવાર વિકેટો પડવાની શરૂઆત થઈ, પછી મેચ પંજાબના હાથમાંથી સરકી જવા લાગી. પંજાબે માત્ર ૯ બોલમાં ૩ વિકેટ ગુમાવી દીધી.
પંજાબની હારનું કારણ: મધ્ય ઓવરોમાં નબળી બેટિંગ
પંજાબ કિંગ્સની હારનું મુખ્ય કારણ મધ્ય ઓવરોમાં તેમની નબળી બેટિંગ હતી. ૭૨ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવ્યા બાદ, પંજાબે માત્ર ૨૬ રનમાં શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશ જેવા મહત્ત્વના બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી. આ વિકેટોના પતન પછી, પંજાબ મેચમાં ફરી કમબેક કરી શક્યું નહીં.
પંજાબ પાસે નીચલા મધ્યમ ક્રમમાં માર્કસ સ્ટોઇનિસ અને શશાંક સિંહ જેવા મજબૂત બેટ્સમેન હોવા છતાં, આ ૩ વિકેટો પછી કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં. આ ૨૬ રનના ગાળામાં, કૃણાલ પંડ્યાએ બે વિકેટ લીધી, જ્યારે રોમારિયો શેફર્ડે શ્રેયસ ઐયરને ૧ રનમાં આઉટ કરીને PBKS ની કમર તોડી નાખી. RCB ના બોલરોએ મધ્ય ઓવરોમાં પંજાબના બેટ્સમેનો પર દબાણ જાળવી રાખીને તેમને જીતથી વંચિત રાખ્યા.



















