IPL 2026 Auction: સરફરાઝ-પૃથ્વીથી લઈને લિવિંગસ્ટોન સુધી, આ દિગ્ગજો રહ્યા અનસોલ્ડ
IPL 2026 auction unsold players: કેમેરોન ગ્રીન પર પૈસાનો વરસાદ પણ સ્ટાર ખેલાડીઓની કોઈએ નોંધ ન લીધી: હરાજીના પહેલા રાઉન્ડમાં આ મોટા માથાઓ રહ્યા ‘ખાલી હાથ’, જુઓ લિસ્ટ.

IPL 2026 auction unsold players: આઈપીએલની 19મી સીઝન માટે ચાલી રહેલી હરાજી અત્યંત અણધારી સાબિત થઈ રહી છે. ફ્રેન્ચાઇઝીઓએ હવે નામ કરતા ફોર્મને વધુ મહત્વ આપ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો ખડકલો કરનાર મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન અને વિસ્ફોટક ઓપનર પૃથ્વી શો જેવા યુવા સ્ટાર્સ પર કોઈ ટીમે ભરોસો દાખવ્યો નથી. આ ઉપરાંત, ઈંગ્લેન્ડના તોફાની બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન માટે મોટી બોલી લાગશે તેવી અટકળો હતી, પરંતુ તે પણ ખોટી સાબિત થઈ છે અને તેઓ હરાજીના પ્રથમ તબક્કામાં 'અનસોલ્ડ' રહ્યા છે.
હરાજીની સૌથી મોટી હાઈલાઈટ ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન રહ્યો છે. ફ્રેન્ચાઇઝીઓએ તેના પર પૈસાનો વરસાદ કરીને તેને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનાવી દીધો છે. જોકે, આ ઉત્સાહ અન્ય મોટા નામો માટે જોવા મળ્યો ન હતો. ટીમો હવે માત્ર સ્ટાર પાવર જોઈને નહીં પણ વર્તમાન ફોર્મ, ફિટનેસ અને ટીમના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને જ પર્સ ખાલી કરી રહી છે. આ રણનીતિને કારણે ઘણા દિગ્ગજોને નિરાશા સાંપડી છે.
પહેલા રાઉન્ડમાં જે ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યો નથી, તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજેલા ઘણા મોટા નામો સામેલ છે. આ લિસ્ટમાં ડેવોન કોનવે, જેક ફ્રેઝર મેકગર્ક, રચિન રવિન્દ્ર, જોની બેયરસ્ટો, રહેમાનુલ્લાહ ગુરબાઝ, દીપક હુડા, શ્રીકર ભરત, જેમી સ્મિથ અને ગસ એટકિન્સનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પોતપોતાની રાષ્ટ્રીય ટીમો માટે મહત્વનું યોગદાન આપે છે, છતાં આઈપીએલની હરાજીમાં તેઓ ફ્રેન્ચાઇઝીઓને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ મેગા ઈવેન્ટ અબુ ધાબીમાં યોજાઈ રહી છે. ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો - મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી, કેકેઆર, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ભાગ લઈ રહી છે. ગયા મહિને રિટન્શન લિસ્ટ જાહેર થયા બાદ ખાલી પડેલા સ્લોટ ભરવા માટે આ જંગ ચાલી રહ્યો છે. નિયમો મુજબ એક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓને પોતાના સ્ક્વોડમાં સામેલ કરી શકે છે.
જોકે, ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે હરાજી હજુ પૂરી થઈ નથી. જે ખેલાડીઓ પહેલા રાઉન્ડમાં વેચાયા નથી, તેમનું નામ ફરીથી 'એક્સિલરેટેડ રાઉન્ડ' (ઝડપી હરાજી) માં આવી શકે છે. ઘણીવાર ટીમો શરૂઆતમાં બજેટ બચાવે છે અને અંતમાં જરૂરિયાત મુજબ વેચાયા વિનાના ખેલાડીઓને તેમની મૂળ કિંમતે (Base Price) ખરીદી લેતી હોય છે. હવે જોવાનું એ રહેશે કે દિવસના અંતે આ યાદીમાંથી કેટલા ખેલાડીઓનું નસીબ ખુલે છે અને કોને ખાલી હાથે પરત ફરવું પડે છે.




















