(Source: ECI/ABP News/ABP Majha)
IPL એ હરાજી માટે શરુ કરી પ્રોસેસ, આ તારીખ સુધીમાં તમામ ટીમોએ આપવી પડશે રિટેન ખેલાડીની યાદી
આઈપીએલ તરફથી તમામ 10 ફ્રેન્ચાઈઝીને એક સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી આપવાનું કહેવામાં આવ્યું છે.
Retain Players in IPL Teams: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ આગામી સિઝન માટે હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આઈપીએલ તરફથી તમામ 10 ફ્રેન્ચાઈઝીને એક સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી આપવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે T20 વર્લ્ડ કપ પછી જ સ્પષ્ટ થઈ જશે કે IPLની 10 ટીમોમાં કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવશે.
મેગા ઓક્શન પહેલા છેલ્લી વખતે જૂની 8 ટીમો વધુમાં વધુ 4-4 ખેલાડીઓને રીટેન કરી શકતી હતી. આ વખતે એવું કોઈ બંધન નહીં હોય. ટીમો તેમની વર્તમાન ટીમમાંથી તમામ ખેલાડીઓને જાળવી શકે છે. માત્ર ટીમોએ 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની માહિતી IPL કમિટીને સુપરત કરવાની રહેશે. જોકે ઘણી ટીમો કેટલાક ખેલાડીઓને છોડવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં, ટીમો કયા ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખે છે તે જોવું રસપ્રદ રહેશે.
મીની હરાજી 16 ડિસેમ્બરે યોજાશે
રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી મળ્યા બાદ, IPL આગામી સિઝન માટે મીની હરાજી કરશે. આ હરાજી 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં થશે. આ હરાજીમાં તમામ 10 ટીમો દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓ ઉપરાંત હરાજીમાં રસ ધરાવતા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ વખતે તમામ ટીમો પાસે તેમના છેલ્લા બાકી રહેલા ઓક્શન પર્સ સાથે 5-5 કરોડ વધુ ખર્ચ કરવાની મર્યાદા હશે. આ સાથે, જો ટીમો કોઈ ખેલાડીને મુક્ત કરે છે, તો તેની રકમ પણ પર્સમાં ઉમેરવામાં આવશે.
ઉદાહરણ તરીકે, પંજાબ કિંગ્સ પાસે ગયા વખતે 3.45 કરોડ બાકી હતા, હવે તેમાં 5 કરોડ ઉમેરવામાં આવશે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સના પર્સમાં 8.45 કરોડ રૂપિયા હશે. તે જ સમયે, જો પંજાબ કિંગ્સની ટીમ શાહરૂખ ખાન જેવા મોંઘા ખેલાડીને રિલીઝ કરે છે, તો તેના પર્સમાં 9 કરોડ આવી જશે. એટલે કે પંજાબ પાસે હરાજી માટે 17.45 કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે.
સીઝનની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડીયામાં થઈ શકે
IPLની 16મી સીઝનની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડીયામાં થઈ શકે છે. 2019 બાદથી આઈપીએલની છેલ્લી બે સીઝનનું ભારત બહાર આયોજીન થયું હતું. 2021ની સીઝન ભારતમાં શરુ તો થઈ હતી. પરંતુ અધવચ્ચે જ કોરોના સંક્રમણના કારણે આઈપીએલને UAE શિફ્ટ કરવી પડી હતી. 2022ની સિઝનને સંપુર્ણ રીતે ભારતમાં જ રમાડવામાં આવી હતી. પરંતુ સીઝનના લિગ સ્ટેજની મેચો ફક્ત ત્રણ શહેરોમાં આયોજીત થઈ હતી. પ્લેઓફનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કરાયું હતું.