IPL 2022: બેગ્લોર વિરુદ્ધ જૉની બેયરસ્ટોની વિસ્ફોટક ઇનિંગ, બનાવ્યો આ રેકોર્ડ
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં પંજાબે બેંગ્લોરને 54 રને હરાવ્યું હતું. 210 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં પંજાબે બેંગ્લોરને 54 રને હરાવ્યું હતું. 210 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. આ મેચમાં પંજાબના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનર જોની બેયરસ્ટોએ આક્રમક ઇનિંગ રમી ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ફક્ત 21 બોલમાં છ સિક્સ અને ત્રણ ફોરની મદદથી ફિફ્ટી ફટકારી હતી. બેયરસ્ટોની આઇપીએલ કારકિર્દીની આ સૌથી ઝડપી ફિફ્ટી હતી.
જોની બેયરસ્ટો 29 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોએ પોતાની ઇનિંગમાં સાત છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તે સ્પિનર શાહબાઝ અહેમદનો શિકાર બન્યો હતો.
ધવન સાથેની તોફાની ભાગીદારી
બેયરસ્ટોએ શિખર ધવન સાથે 5 ઓવરમાં 60 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. મેક્સવેલના હાથે બોલ્ડ થતા પહેલા ધવને પણ 21 રનનું યોગદાન આપ્યું હતું.પાવરપ્લેમાં પંજાબ કિંગ્સે એક વિકેટના નુકસાને કુલ 83 રન બનાવ્યા હતા, જેમાં બેયરસ્ટોના 59 રન હતા.
IPLમાં પાવર પ્લેમાં સૌથી વધુ રન
87, સુરેશ રૈના,પંજાબ કિંગ્સ વિરુદ્ધ
74, એડમ ગિલક્રિસ્ટ, દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ
63, ઈશાન કિશન, સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ
62, ડેવિડ વોર્નર, કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ
59, જોની બેયરસ્ટો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ
બેયરસ્ટોને મોટી કિંમતે ખરીદવામાં આવ્યો હતો
IPL 2022ની મેગા ઓક્શનમાં જોની બેયરસ્ટોને પંજાબ કિંગ્સે 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બેયરસ્ટો IPLની છેલ્લી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. જોની બેયરસ્ટોએ અત્યાર સુધી 37 IPL મેચોમાં 37.58ની એવરેજથી 1240 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 9 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 114 રન હતો.