IPL 2025: CSK જીતેલી મેચ બે રનથી હારી ગયું, RCB નો રોમાંચક વિજય, ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેના ૯૪ રનીની મહેનત વ્યર્થ ગઈ
RCB vs CSK match result: ૨૧૪ રનનો પીછો કરતા ચેન્નાઈ ૫૮/૨ થી મ્હાત્રે-જાડેજાની ૧૧૪ રનની ભાગીદારી છતાં લક્ષ્યથી ૨ રન પાછળ રહી ગયું, આયુષ ૬ રનથી સદી ચૂકી ગયો, RCB પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત.

RCB vs CSK highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ માં આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ અત્યંત રોમાંચક બની રહી અને અંતિમ ક્ષણે RCB એ બાજી મારીને ૨ રનથી વિજય મેળવ્યો. આ હાર ચેન્નાઈ માટે હૃદયભંગ સમાન હતી, કારણ કે એક સમયે મેચ તેમના હાથમાં લાગી રહી હતી, પરંતુ તેઓ જીતેલી મેચ હારી ગયા. CSK ના યુવા બેટ્સમેન ૧૭ વર્ષીય આયુષ મ્હાત્રેની શાનદાર મહેનત પણ આખરે વ્યર્થ ગઈ.
RCB નો ૨૧૩ રનનો મોટો સ્કોર
RCB એ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૧૩ રનનો મોટો અને પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરનો પીછો કરવો ચેન્નાઈ માટે આસાન નહોતો, પરંતુ તેમની બેટિંગે આશા જગાવી હતી.
ચેન્નાઈનો રન ચેઝ: યુવા આયુષ અને જાડેજાની લડાયક ભાગીદારી
૨૧૪ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે ઝડપી શરૂઆત કરી. શેખ રશીદે ૧૪ રન બનાવ્યા, પરંતુ ૧૭ વર્ષના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે સાથે મળીને તેમણે માત્ર ૪.૩ ઓવરમાં ટીમનો સ્કોર ૫૦ રન પાર કરાવ્યો. સેમ કુરન પણ વધુ સમય ટકી શક્યો નહીં અને માત્ર ૫ રન બનાવીને આઉટ થયો. ૫૮ રનના સ્કોર પર ચેન્નાઈએ ૨ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ આયુષ મ્હાત્રે અને રવિન્દ્ર જાડેજાએ મળીને બાજી સંભાળી. બંનેએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને ચોગ્ગા તથા છગ્ગાનો વરસાદ કરીને સ્કોરબોર્ડને ઝડપથી આગળ ધપાવ્યું. આ બંને વચ્ચે ૧૧૪ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, જેણે ચેન્નાઈને વિજયની નજીક લાવી દીધું.
આયુષ મ્હાત્રેના ૯૪ રણની શાનદાર ઇનિંગ્સ વ્યર્થ ગઈ
યુવા આયુષ મ્હાત્રેએ RCB ના બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરી. તેણે માત્ર ૪૮ બોલમાં ૯૪ રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં ૯ ચોગ્ગા અને ૫ છગ્ગા સામેલ હતા. આયુષ જો વધુ ૬ રન બનાવી શક્યો હોત, તો તે IPL ઇતિહાસમાં બીજા સૌથી નાની ઉંમરના સદી ફટકારનાર ખેલાડી બન્યો હોત. તેની આ શાનદાર ઇનિંગ્સ છતાં, તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
જ્યાં સુધી આયુષ મ્હાત્રે અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા, ત્યાં સુધી CSK નો વિજય આસાન લાગતો હતો. આયુષ ૯૪ રનના સ્કોર પર આઉટ થયા બાદ જાડેજાએ બાજી સંભાળી. તે અંત સુધી ક્રીઝ પર રહ્યો અને ૪૫ બોલમાં અણનમ ૭૭ રન બનાવ્યા. જોકે, તેની આ લડાયક ઇનિંગ્સ પણ ચેન્નઈને લક્ષ્ય સુધી પહોંચાડી શકી નહીં અને તેઓ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૧૧ રન જ બનાવી શક્યા.
RCB નો રોમાંચક વિજય અને પ્લેઓફમાં સ્થાન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અંતિમ ઓવરોમાં શિસ્તબદ્ધ બોલિંગ કરીને ચેન્નાઈને લક્ષ્યથી ૨ રન પાછળ રાખી દીધું. આ રોમાંચક વિજય સાથે, RCB એ IPL ૨૦૨૫ ના પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સે જીતેલી મેચ ગુમાવવાનો આઘાત સહન કરવો પડ્યો, ખાસ કરીને યુવા આયુષ મ્હાત્રે અને જાડેજાની મહેનત વ્યર્થ જતા ચાહકોમાં પણ નિરાશા છવાઈ ગઈ.




















