RCB vs LSG: જો વરસાદના કારણે મેચ ધોવાઇ જાય તો બહાર ફેંકાઇ જશે બેંગ્લોર, જાણો શું છે નિયમ?
લખનઉ સુપર જાયન્ટસની ટીમ આજે સાંજે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે
IPL 2022 એલિમિનેટર: લખનઉ સુપર જાયન્ટસની ટીમ આજે સાંજે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. લીગ મેચમાં પોઇન્ટ ટેબલમાં લખનઉની ટીમ ત્રીજા સ્થાને છે જ્યારે બેગ્લોર પોઇન્ટ ટેબલ્સમાં ચોથા સ્થાને છે.
ક્વોલિફાયર-1 ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મંગળવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ડેવિડ મિલરની શાનદાર બેટિંગના કારણે ગુજરાત ટાઇટન્સ (GT) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ (GT) ફાઇનલમાં પહોંચી ગઇ છે.
એલિમિનેટર મેચમાં વરસાદનો ખતરો
એલિમિનેટર મેચ આજે ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે થશે. નોંધનીય છે કે લખનઉ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા નંબરે હતી. આ મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મેચની વિજેતા ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ (RR) સામે મેદાનમાં ઉતરશે. ક્વોલિફાયર-2 27 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. જો આ એલિમિનેટર મેચમાં વરસાદ થશે તો મેચનો નિર્ણય કેવી રીતે થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનઉ વચ્ચે રમાનારી આ એલિમિનેટર મેચમાં વરસાદ વરસશે તો આ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. વરસાદની સ્થિતિમાં વિજેતાની પસંદગી 5-5 ઓવરની મેચ દ્વારા કરવામાં આવશે. પરંતુ જો 5-5 ઓવરની મેચ પણ શક્ય ન હોય તો મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે. જો સુપર ઓવર માટે પણ પરિસ્થિતિઓ યોગ્ય નથી, તો પછી જે ટીમ ગ્રુપ સ્ટેજમાં ઉપર હશે તેને વિજેતા માનવામાં આવશે. એટલે કે, આ સ્થિતિમાં લખનઉને વિજેતા માનવામાં આવશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બહાર ફેંકાઇ જશે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો પ્રાર્થના કરશે કે આ મેચ દરમિયાન વરસાદ ન પડે.