એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, SRH પ્રથમ રમતા 286 રન બનાવ્યા હતા.

SRH vs RR Full Match Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, SRH પ્રથમ રમતા 286 રન બનાવ્યા હતા. જે IPL ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર પણ છે. જવાબમાં રાજસ્થાન તરફથી સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી, પરંતુ અંતે 287 રનનો ટાર્ગેટ રાજસ્થાન માટે ઘણો વધારે સાબિત થયો હતો.
રાજસ્થાનનો 44 રનથી પરાજય થયો હતો
રાજસ્થાન રોયલ્સને 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં જ્યારે યશસ્વી જયસ્વાલ લક્ષ્યનો પીછો કરવા આવ્યો ત્યારે તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં આરઆર ટીમની કેપ્ટનશીપ કરી રહેલો રિયાન પરાગ પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સંજુ સેમસન ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો, તેણે 37 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી. તેના પછી આ મેચમાં ધ્રુવ જુરેલ પણ ચમક્યો હતો. જેણે 35 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
રાજસ્થાન રોયલ્સના બોલરો ખરાબ રીતે ધોવાયા હતા. જોફ્રા આર્ચરનો IPLનો શરમજનક રેકોર્ડ છે. આર્ચરે પોતાની ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. હવે તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ બોલ કરનાર બોલર બની ગયો છે. સંદીપ શર્માએ તેની ચાર ઓવરમાં 51 રન અને સ્પિનર મહિષ તિક્ષણાએ ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા. ઝડપી બોલર તુષાર દેશપાંડેએ ચાર ઓવરમાં 44 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી
ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી અને 50 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહેલા સેમસને જુરેલ સાથે મળીને ચોથી વિકેટ માટે 111 રન જોડ્યા અને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી. જ્યારે સેમસન અને જુરેલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન IPL ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કરી શકે છે, પરંતુ સેમસન આઉટ થતાં જ ભાગીદારી તૂટી ગઈ હતી. સેમસન પેવેલિયન પરત ફર્યા બાદ જુરેલે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અંતમાં શિમરોન હેટમાયર અને શુભમ દુબેએ કેટલાક પ્રયાસો કર્યા, પરંતુ ટીમ લક્ષ્ય હાંસલ કરી શકી નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
