અમદાવાદઃ 4 વર્ષ બાદ IPLનો સમાપન સમારોહ યોજાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાયું છે ભવ્ય આયોજન
BCCIએ IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજાશે.
IPL 2022માં અત્યાર સુધી 57 મેચ રમાઈ છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. ટૂંક સમયમાં પ્લેઓફનું ગણિત સ્પષ્ટ થઈ જશે. દરમિયાન, BCCIએ IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજાશે. અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાન સિવાય ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
છેલ્લે 2018 માં થયું હતું આયોજનઃ
IPLમાં લગભગ 4 વર્ષની લાંબી રાહ બાદ સમાપન સમારોહ જોવા મળશે. ઇવેન્ટ દરમિયાન, BCCI ખૂબ જ અનોખી રીતે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર વર્ષથી IPL સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પહેલાં વર્ષ 2018માં છેલ્લી IPL ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.
ક્રિકેટ પ્રવાસ બતાવાશેઃ
આઈપીએલનો સમાપન સમારોહ સિઝનની ફાઈનલ મેચ પહેલાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમાપન સમારોહ 45 મિનિટનો હશે. બોર્ડે આ સમારોહના આયોજન માટે એક એજન્સીને જવાબદારી સોંપી છે. સમાપન સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે.
વિશેષ શો યોજાશેઃ
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક વેબસાઈટને જણાવ્યું કે "આ ઈવેન્ટ ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પુરા થયા છે તેની પણ ઉજવણી કરશે. આ ઈવેન્ટમાં ભારતીય ક્રિકેટે છેલ્લા 7 દાયકામાં જે કામયાબી મેળવી છે તેના પર પણ નજર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં ફાઈનલ મેચ સાથે, દેશની 75મી આઝાદી ભારતીય ક્રિકેટની સફરને ખાસ શો સાથે દર્શાવીને ખાસ ઉજવણી કરીશું.
ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશેઃ
IPL 2022ની પ્લેઓફ અને ફાઈનલ મેચ 24 થી 29 મે વચ્ચે કોલકાતા અને અમદાવાદમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મેના રોજ અને એલિમિનેટર 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. સાથે જ 27 મેના રોજ ક્વોલિફાયર 2 અને ટાટા આઈપીએલ 2022ની ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.