Javelin Throw: સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી અનુ રાની, 59 મીટર દૂર ફેંક્યો ભાલો
હવે ફાઇનલમાં 12 ખેલાડીઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળશે.
Javelin Throw in World Championship 2022: ભારતીય ખેલાડી અનુ રાનીએ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022ની જૈવલિન થ્રો ઈવેન્ટમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે ગુરુવારે ગ્રુપ બીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 59.60 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ફાઇનલમાં 12 ખેલાડીઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળશે.
Annu Rani into her 2nd consecutive World Finals with overall 8th position in Qualifications pic.twitter.com/gd5YpamdBA
— Aditya Narayan Singh (@AdityaNSingh8) July 21, 2022
ક્વોલિફિકેશન રાઉન્ડમાં અનુની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પ્રથમ પ્રયાસમાં જ ફાઉલ ફેંક્યો હતો. બીજા પ્રયાસમાં તેણે 55.35 મીટર ભાલા ફેંકી વાપસી કરી હતી. પછી છેલ્લા પ્રયાસમાં 59.60 મીટરના અંતર સાથે તેણે ગ્રુપ બીમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ રીતે તેણીએ 8મું સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હવે 12 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા છે. ગ્રુપ-એ અને બીના ટોપ-12 ખેલાડીઓને ફાઇનલમાં સ્થાન મળ્યું છે. જે ખેલાડીઓએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 62.50 મીટર દૂર ભાલો ફેંક્યો હતો તેને ફાઇનલની ટિકિટ મળી ગઇ છે. કુલ ત્રણ ખેલાડીઓએ આટલા દૂર સુધી ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
63.82 મીટર અનુનું શ્રેષ્ઠ પ્રદર્શન છે
29 વર્ષની અનુ રાનીનું આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 63.82 મીટર છે. આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે આ રેકોર્ડથી ઘણી પાછળ હતી, પરંતુ તેમ છતાં તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
અનુ 2019માં પણ ફાઇનલમાં પહોંચી હતી
અનુ રાની આ પહેલા વર્ષ 2019માં દોહામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ તે ફાઇનલમાં 61.12 મીટરના થ્રો સાથે આઠમા ક્રમે રહી હતી. લંડનમાં 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણી ક્વોલિફિકેશન ગ્રુપમાં 10મા સ્થાને રહી અને ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.