કેન્દ્ર સરકારે WhatsApp પર શરુ કરી Digilockerની સુવિધા, દેશના કરોડો લોકોને મળશે લાભ
Digilocker on WhatsApp : કેન્દ્ર સરકાર દ્વારા સરકારી સેવાઓનો લાભ લેવા માટે વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે.
Digilocker Services: નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. MyGovએ કહ્યું કે હવેથી તમે Whatsapp દ્વારા MyGov હેલ્પડેસ્ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.
સરકારી સેવાઓની પહોંચ સરળ બનશે
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ વધુ સરળ બનશે. ડિજીલૉકર, ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળની એક મોટી પહેલનો હેતુ લોકોને તેમના ડિજિટલ દસ્તાવેજ વૉલેટ દ્વારા અધિકૃત દસ્તાવેજોની ઍક્સેસ આપવાનો છે.
ડિજિટલ વોલેટમાં દસ્તાવેજો સુરક્ષિત રહે છે
DigiLocker દ્વારા લોકો તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ વોલેટમાં સુરક્ષિત રાખી શકે છે. આ સાથે, આ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવેલા તમામ દસ્તાવેજો સરકારની વિવિધ કચેરીમાં સંપૂર્ણપણે અધિકૃત અને માન્ય ગણવામાં આવે છે. ડિજીલોકરમાં જાહેર કરાયેલા તમામ દસ્તાવેજો મૂળ ભૌતિક દસ્તાવેજો તરીકે માન્ય ગણવામાં આવે છે.
Fetching your important documents is now as easy as chatting with your friend on WhatsApp!
Enjoy #DigiLocker services through the #MyGovHelpdesk. Send 'Hi' to 9013151515 on WhatsApp to access your Insurance Documents, PAN Card, Driving License, etc. pic.twitter.com/pbSOnLmOE0 — MyGovIndia (@mygovindia) May 23, 2022
તમે આ નંબર પર Whatsapp કરી શકો છો
તમને જણાવી દઈએ કે આ સેવાનો લાભ લેવા માટે ડિજીલોકર એકાઉન્ટ બનાવવું પડશે અને પ્રમાણિત કરવું પડશે. આ સાથે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર 'હેલો' અથવા 'હાય' અથવા 'ડિજિલોકર' મોકલીને ચેટબોટને ઍક્સેસ કરી શકે છે અને ડિજિલોકર સેવાનો લાભ લઇ શકે છે.
જાણો અધિકારીએ શું કહ્યું?
MyGov ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અભિષેક સિંઘે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય WhatsApp ના સરળતાથી સુલભ પ્લેટફોર્મ દ્વારા નાગરિકો માટે આવશ્યક સેવાઓ સુલભ બનાવવાનો છે. આ નવી પહેલ પર ટિપ્પણી કરતા, શિવનાથ ઠુકરાલ, ડાયરેક્ટર, WhatsAppએ જણાવ્યું હતું કે દેશને ડિજિટલ રીતે સશક્ત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.