Hun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજન
આજે ધનતેરસ. મા લક્ષ્મીની કૃપા વરશે અને કુબેર ભંડાર ભર્યા રહે તે માટે માતાની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે માતા લક્ષ્મીની સાથે અનેક પરિવારો એવા છે જ્યાં દીકરીની પણ લક્ષ્મીરૂપ ગણી પૂજા કરવામાં આવે છે. દીકરીના આશીર્વાદ લેતા હોય છે.
ધનતેરસમાં દીકરીની સાથે ગાયની પણ પૂજા કરવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આદિ અનાદિ કાળથી ગાયની પૂજા અને સેવા થઈ રહી છે. ગાયની સેવાથી દેવો પણ પ્રસન્ન થાય છે અને આ ગાયની સેવાથી લોકોને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ. જે દિકરી ગામ તરીકે ઓળખાય છે. 2600 લોકોની વસતી ધરાવતા આ ગામમાં દરેક ઘર બહાર દિકરીના નામની નેઈમ પ્લેટ લગાવવામાં આવી છે. ગામમાં સમરસ બાલિકા પંચાયતની પણ રચના કરવામાં આવી. સાથે જ સંકલ્પ લેવામાં આવ્યો છે કે, દિકરીઓના પ્રોત્સાહન માટે કામ કરવામાં આવશે. દિકરીઓને શિક્ષણની સાથે જ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધવા પ્રયત્ન કરાશે એટલુ જ નહીં જે દિકરી શૈક્ષણિક કે રમત ગમત ક્ષેત્રે નામ રોશન કરશે તેના નામે ગામની શેરીનું નામ રખાશે. ગામના આ પ્રયાસથી ગામની દિકરીઓ ખુશખુશાલ છે અને સંકલ્પ લઈ રહી છે કે ગામ અને દેશનું નામ રોશન થાય તેવું કામ કરીશું. ગુજરાતનું આ પહેલુ ગામ નથી આ પ્રકારની પહેલ કરી હતી કચ્છ જિલ્લાના મોટા અંગિયા ગામે. આજથી બે વર્ષ પહેલા મોટા અંગિયામાં દરેક ઘરની બહાર દિકરીનું નામ લખવામાં આવ્યું હતું અને હવે પાટીદડ. આ પ્રકારની પહેલથી દિકરા અને દિકરી વચ્ચેની સમાનતા વધશે અને ખરા અર્થમાં દિકરીઓ પુરુષ સમોવડી બનશે તો સાથે સમાજમાં દિકરીઓ અને પુત્રવધૂને વધુ માન સન્માન મળશે.
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી દિવાળીની શુભેચ્છાઓ મોકલી. તેમણે વીડિયોના માધ્યમથી વ્હાઇટ હાઉસ અને વિશ્વભરના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, આ વર્ષે મારી પાસે પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને અમારા સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા.





















