Hun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંક
વાનરનો આતંક ફેલાયો પંચમહાલના ગોધરામાં. આ દ્રશ્યો જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરીના છે. વાનરનો ખૌફ કેટલો હશે તે આ દ્રશ્યો જોઈને જ આપને અંદાજો આવી શકે. શિક્ષણઅધિકારીની કચેરીના ગેટ પર લાકડી રાખવામાં આવી છે. અને આવતા જતા કચેરીનો દરવાજો કર્મચારીઓ અને અરજદારો બંધ કરતા નજરે પડી રહ્યા છે. વાનરના કારણે જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરીમાં આવતા કર્મચારીઓ અને અરજદારોમાં ડરનો માહોલ છે. વાનરથી બચવા કર્ચમારીઓ હાથમાં લાકડીઓ સાથે જોવા મળ્યા. સાવલીવાડ, સિવિલ હોસ્પિટલ, તેલંગ હાઈસ્કૂલની આસપાસના વિસ્તારમાં છેલ્લા 5-6 દિવસથી વાનરે આતંક મચાવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વાનરે 17થી વધુ વ્યક્તિઓ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા. જેમને ગોધરા સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ વાનરને પાંજરે પુરવા માટે વનવિભાગે જબરદસ્ત સંઘર્ષ કર્યો. તોફાની વાનર ગમે તે સમયે આવી હુમલો કરી ભાગી છૂટતો હોવાથી અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા. વાનરને પકડવા માટે પંચમહાલ, દાહોદ, મહિસાગરની વન વિભાગની ટીમો કામે લાગી હતી. મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાંથી એરગન મેનની ટીમ બોલાવવામાં આવી હતી. સોનીવાડ વિસ્તારમાં વાનર દેખાતા પાંજરા અને પ્લાસ્ટિકની જાળીથી તોફાની વાનરને પકડવાની કવાયત હાથ ધરાઈ. ટ્રેન્ક્યુલાઈઝર ગનથી 4થી 5 ઈન્જેક્શન ફાયર કર્યા બાદ આખરે વાનરને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવ્યો. અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો





















